શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Communal False

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર નમાજ અદા કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેરિસ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પેરિસનો નહીં પરંતુ રશિયાના મોસ્કો શહેર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પેરિસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Apurva Patel નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Paris today after ..decades of careless immigration policy. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો આ વીડિયો પેરિસનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે મળતા આવતા વીડિયો સાથેના સમાચાર dailymail.co.uk દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં જે મસ્જિદ દેખાઈ રહી છે એ વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી મસ્જિદ સાથે સામ્યતા ધરાવે છે. નીચે તમે આ બંને મસ્જિદ વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

ડેઈલી મેલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મોસ્કોની કેથેડ્રલ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ લોકો ઈદ અલ-અદહાની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આના પરથી અમને એમાલૂમ પડ્યું હતું કે, ફોટોમાં દેખાતી મસ્જિદ રશિયાના મોસ્કોમાં આવેલી મોસ્કો કેથેડ્રલ મસ્જિદ છે.

ત્યાર બાદ અમે વધુ તપાસમાં આ મસ્જિદનું ગૂગલ સ્ટ્રીટ વ્યૂ જોયું હતું. તેમાં પણ આ વીડિયોમાંથી ઘણી એવી જ તસવીરો જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત માહિતી પરથી એસ્પષ્ટ સાબિત થઈ ગયું કે, આ વીડિયો રશિયાના મોસ્કો શહેરનો છે.

અમારી વધુ તપાસમાં અમને 3 મે, 2022 ના રોજ પ્રકાશિત ધ મોસ્કો ટાઈમ્સની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા ઘણા ફોટોગ્રાફ મળ્યા હતા. વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈદ-ઉલ-ફિત્રના અવસર પર મોસ્કો શહેરની કેથેડ્રલ મસ્જિદમાં 2 મેના રોજ વિશ્વભરમાંથી મુસ્લિમ સમુદાયના લોકો નમાજ અદા કરવા માટે એકઠા થયા હતા. 10 લાખ લોકો એકસાથે નમાજ અદા કરી રહ્યા હતા. તેથી ઘણા લોકોએ મસ્જિદની સામેના રસ્તા પર નમાજ અદા કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પેરિસનો નહીં પરંતુ રશિયાના મોસ્કો શહેર ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને પેરિસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા રસ્તા પર નમાજ અદા કરવામાં આવી તેનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply