એક જ જાતિના યુવક-યુવતિના લવ મેરેજનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયોમાં જે છોકરી દેખાઈ રહી છે તેણે બીજી જાતિના છોકરા સાથે લગ્ન કર્યા છે અને એના પિતા પાઘડી ઉતારીને તેને મનાવી રહ્યા છે છતાં પણ તે તેમનું કહ્યું માનતી નથી. છોકરીએ લવ જેહાદમાં છોકરા સાથે લગ્ન કર્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રાજસ્થાનના પાલી શહેરનો છે. વીડિયોમાં દેખાતી છોકરીએ પોતાની જ કોમના એખ છોકરા સાથે લવ મેરેજ કર્યા છે. આ સમગ્ર ઘટનાને લવ જેહાદ સાથે કોઈ જ સંબંધ નથી. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Chaudhary Dhima નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો લવ જેહાદનો છે. જેમાં એક હિન્દૂ છોકરીએ પોતાના પરિવારના વિરુદ્ધ જઈને બીજી જાતિના છોકરા સાથે લગ્ન કર્યા છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Royal Raika નામના ફેસબુક પર આજ વીડિયોને લગતી માહિતી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં આ પેજ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવાને ખોટો ગણાવવામાં આવ્યો છે.

અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત પેજ પર નારાયણ પી દેવાસી દ્વારા 3 ઓક્ટોમ્બર, 2020 ના રોજ આજ ઘટનાને લઈ લાઈવ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં જે છોકરો અને છોકરી દેખાઈ રહ્યા છે એ બંને એક જ સમાજ એટલે કે દેવાસી સમાજના છે. આ ઘટના બાદ દેવાસી સમાજના નિતી-નિયમો મુજબ તેનો ન્યાય પણ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લવ જેહાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોમાં છોકરા, છોકરી, તેમના પિતા તેમજ ગામનું નામ પણ બતાવવામાં આવ્યું છે. આ સમગ્ર વીડિયોમાં તમને ઘટનાના સંબંધમાં સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે.

Archive

રોટલ રાયકા પેજ દ્વારા પોસ્ટના વીડિયોમાં દેખાતી યુવતી અને તેના પિતાનો ફોટો પોસ્ટ કરીને શીર્ષકમાં સ્પષ્ટ લખ્યું છે કે, આ વીડિયો સાથે વાયરલ થઈ રહેલો દાવો તદ્દન ખોટો છે. શીર્ષકમાં વીડિયોમાં દેખાતા છોકરાનું નામ, યુવતીના પિતાનું નામ અને યુવતી વિશેની અન્ય માહિતી પણ આપવામાં આવી છે.

image4.png

Facebook Post | Archive

વધુમાં રોયલ રાયકા ફેસબુક પેજ દ્વારા દૈનિક ભાસ્કરના પાલી ભાસ્કરમાં છપાયેલ સમાચારનો એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સામાચારમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા લવ જેહાદના દાવાને નકારી કાઢવામાં આવ્યો છે.

image5.png

Facebook Post | Archive

ત્યાર બાદ આ અંગેની વધુ માહિતી માટે અમે રોયલ રાયકા પેજના એડમિન સુરેશ દેવાસીનો સંપર્ક કરીને આ ઘટના અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાતી યુવતી દેવાસી સમાજની છે. તે પુનામાં તેના ભાઈઓ સાથે રહેતી હતી, અને તે દેવાસી સમાજના જ એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. જેના કારણે તેણે તે છોકરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે પાલી (રાજસ્થાન) માં તેના માતા-પિતા પાસે આવી હતી. વીડિયોમાં દેખાતું દ્રશ્ય પોલીસ સ્ટેશનનું છે જ્યાં યુવતીના માતા-પિતા તેને વિનંતી કરી રહ્યા હતા જેમાં તેના પિતા પાઘડી ઉતારીને તે છોકરીને એ છોકરાને છોડીને પોતાની જ સાથે રહેવા માટે આજીજી કરી રહ્યા છે. તે જ સમયે, એક વ્યક્તિએ આ વીડિઓ લીધો અને તેને વાયરલ કર્યો અને ધીમે ધીમે આ વીડિઓને લવ-જેહાદ સાથે સાંકળવામાં આવ્યો. તે પછી દેવાસી સમાજના વડા અને અન્ય વરિષ્ઠ લોકોએ મામલો થાળે પાડ્યો હતો અને હવે તે યુવતી તેના પતિ સાથે પૂનામાં રહે છે. આ ઘટના આજથી એકાદ મહિના પહેલાં બની હતી.

વધુમાં તમને એ પણ જણાવી દઈએ કે, અમને સુરેશ દેવાસીએ એ પણ જણાવ્યું હતું કે, રોયલ રાયકા એ દેવાસી સમાજનું ફેસબુક પેજ છે જેમાં તમામ લોકો જોડાયેલા છે. સુરેશ દેવાસી ગુજરાતના અમદાવાદમાં એક કંપનીમાં નોકરી કરે છે. તેઓએ આ પેજ શરૂ કર્યું છે અને આ પેજ પર તે પેજ સાથે જોડાયેલા દેવાસી સમાજના લોકો પોસ્ટ કરે છે.

અમારી આગળની તપાસમાં અમે પાલીના એસ.પી. રાહુલ કટકેનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતી દેવાસી સમાજની છે અને તેણે તેના જ સમાજના એક છોકરા સાથે લગ્ન કર્યા છે અને હવે તે તે છોકરા સાથે પૂનામાં રહે છે. આ સમગ્ર ઘટનાને લવ જેહાદ સાથે કોઈ સંબંધ નથી. દેવાસી સમાજના લોકોએ આ મામલે શાંતિપૂર્ણ સમાધાન શોધી કાઢ્યું છે.

અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ ઘટના અંગે સાદડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. તો આ પોલીસ સ્ટેશનના SHO ગિરિધરસિંહ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ ઘટનાને લવ જેહાદ સાથે કોઈ જ સંબંધ નથી. આ ઘટના અંગે 29 ઓગષ્ટ, 2020 ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેનો FIR No. MPR 25 છે. જે ખોવાયેલ વ્યક્તિ અંગેની એફઆઈઆર દર્શાવે છે. 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ આ છોકરી પોતાના ઘરે પરત આવી હતી. અને સમાજના લોકો દ્વારા સમાધાન થકી આ સમગ્ર મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી યુવતીએ તેના સમાજના યુવક સાથે લવ મેરેજ કર્યા છે. આ ઘટનાને લવ જેહાદ સાથે કોઈ જ સંબંધ નથી. 

Avatar

Title:એક જ જાતિના યુવક-યુવતિના લવ મેરેજનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False