
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાડી સાફ કરી રહેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડી સાફ કરવાના બહાને બાળકે ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દીધા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રીતે ખાતામાંથી પૈસા નીકાળવાનું શક્ય નથી. સરકાર દ્વારા આ વીડિયોને ખોટો ઠેરવવામાં આવ્યો છે. આ વીડિયો કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Azad Hind Parivar નામના ફેસબુક પેજ દ્વારા 24 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગાડી સાફ કરનારાથી સાવધાન, તમારી ગાડી પર ચઢીને આ રીતે સ્કેન કરી લેશે કોડ અને પછી ખાતામાંથી જતા રહેશે રૂપિયા – જુઓ વીડિયો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાડી સાફ કરવાના બહાને બાળકે ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દીધા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 25 જૂન, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના શીર્ષકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ખોટો છે. આ પ્રકારે કોઈ જ વ્યવહાર થાય એ અશક્ય છે. દરેક ટોલપ્લાઝાને એક યુનિક કોડ હોય છે જેના દ્વારા જ નાણાંકીય વ્યવહાર શક્ય બને છે.
અમારી વધુ તપાસમાં અમને Paytm દ્વારા 25 જૂન, 2022 ના રોજ આજ વીડિયો સાથે કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, Paytm FASTag વિશે એક વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ થઈ રહ્યો છે. જેમાં FASTag ને સ્કેન કરતી સ્માર્ટ વૉચ ખોટી રીતે બતાવવામાં આવી છે. NETC માર્ગદર્શિકા મુજબ, FASTag ચૂકવણીઓ માત્ર અધિકૃત વેપારીઓ દ્વારા જ શરૂ કરી શકાય છે, જે પરીક્ષણના બહુવિધ રાઉન્ડ પછી ઓનબોર્ડ થઈ શકે છે. Paytm FASTag સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો ખોટો હોવાનો તેમજ આ રીતે ફાસ્ટેગ દ્વારા પૈસા કપાઈ જવાની માહિતી ખોટી હોવાની સ્પષ્ટતા કરતી એક ટ્વિટ FASTag NETC દ્વારા પણ 24 જૂન, 2022 ના રોજ કરવામાં આવી હતી.
વધુમાં અમને આજ વીડિયો ખોટો હોવાની માહિતી આપતો તેમજ સાયબર એક્પર્ટે પણ આ દાવાનું ખંડન કર્યું હોવાના સમાચાર દર્શાવતો વધુ એક વીડિયો વીટીવી ગુજરાતી દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
બનાસકાંઠાની પાલનપુર ખાતેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પણ આ વીડિયો ખોટો હોવા અંગે લોકજાગૃતિ માટેની માહિતી આપતું પોસ્ટર સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અમદાવાદના સાયબર એક્સપર્ટ લકીરાજસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ફાસ્ટેગ એ એક પ્રકારની રેડિયો ફ્રિકવન્સીથી ચાલતી પ્રક્રિયા છે. જેના માટે ટોલ બૂથ પર એક ડિવાઈસ લગાવવામાં આવ્યું હોય છે. જેના દ્વારા વાહનમાં લગાવવામાં આવેલા ફાસ્ટેગના કોડને સ્કેન કરવામાં આવે છે અને ત્યાર બાદ ગ્રાહકના ફાસ્ટેગ ખાતામાંથી એ રકમ આપોઆપ કપાઈ જાય છે. પરંતુ આ સિસ્ટમ થકી ગ્રાહકના બેન્ક ખાતામાંથી પૈસા કપાઈ જવાની માહિતી તદ્દન ખોટી છે. ફાસ્ટેગ દ્વારા ફક્ત ગ્રાહકના ફાસ્ટેગ ખાતામાં રહેલું બેલેન્સ જ કપાય છે જેને ગ્રાહકના બેન્ક ખાતામાં રહેલી રકમ સાથે કોઈ જ સંબંધ નથી.”
ત્યાર બાદ અમે તેમને એ પૂછ્યું હતું કે, ફાસ્ટેગ સિક્યોરિટીને આ પ્રકારે સ્કેન કરીને પૈસા ઉપાડી શકાય છે કે કેમ?
જેના જવાબમાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મારા મત મુજબ ફાસ્ટેગ એ દરેક ટોલબૂથ પર લગાવવામાં આવેલી એક ઓટોમેટિક ટ્રાન્જેકશન સિસ્ટમ છે. જેને આ પ્રકારે સ્કેન કરીને પૈસા ઉપાડવા એ શક્ય નથી. ફાસ્ટેગ એ હાલમાં સંપૂર્ણપણે સલામત છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ રીતે ખાતામાંથી પૈસા નીકાળવાનું શક્ય નથી. સરકાર દ્વારા આ વીડિયોને ખોટો ઠેરવવામાં આવ્યો છે. આ વીડિયો કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ગાડી સાફ કરવાના બહાને ફાસ્ટેગ સ્કેન કરીને ખાતામાંથી પૈસા નીકાળી દેવામાં આવે છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
