આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી.

હાલમાં સોશિયલ મિડિયામાં બે તસ્વીર સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આસામમાં એક મહિલાએ તેના પહેલા પતિને છોડીને જેહાદી ઝાકિર હુસૈન સાથે લગ્ન કર્યા અને હવે આ પતિ તે મહિલા પર હુમલો કરી રહ્યો છે. પ્રથમ તસવીરમાં, મહિલા એક પુરૂષ સાથે છે અને બીજી તસવીરમાં તે ઘાયલ હાલતમાં છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુસ્લિમ યુવાન દ્વારા લગ્ન બાદ આ હિંદુ મહિલાને મારમારવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Laljibhai Vegad નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ યુવાન દ્વારા લગ્ન બાદ આ હિંદુ મહિલાને મારમારવામાં આવ્યો હતો..”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથેના એક ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયા ટુડે દ્વારા 2 જુલાઈ, 2012 પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, રૂમી નાથ અને તેના પતિને કરીમગંજની હોટલમાં 100થી વધુ લોકોના ટોળાએ માર માર્યો હતો. જેમાં રૂમી નાથ આ નિવેદન આપી રહ્યા છે.

તેમજ એનડીટીવી દ્વારા પણ તેમની ઓફિશિયલ ચેનલ પર રૂમી નાથનું 1 જૂલાઈ 2012ના ઇન્ટરવ્યુ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આસામની પોલીસે કહ્યું છે કે શનિવારે એક હોટલમાં 33 વર્ષીય મહિલા ધારાસભ્ય રૂમી નાથ અને તેના બીજા પતિ પર નિર્દયતાથી હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્ડિયા ટીવી દ્વારા પણ તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મહિલા ધારાસભ્ય પર હુમલામાં સામેલ હોવાની શંકાસ્પદ પાંચ વ્યક્તિઓની અહીંથી ધરપકડ કરવામાં આવી છે, પોલીસ અધિક્ષક પ્રદિપ પૂજારીએ જણાવ્યું હતું.

તેમજ વધુ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર પ્રકાશિત પીટીઆઈનો અહેવાલ જાણવા મળ્યો છે. આ રિપોર્ટ 30 જૂન 2012ના પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય રૂમી નાથ અને તેના વર્તમાન પતિ, જેમણે પોતાના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના ઝાકી ઝાકિર નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, તેમને કરીમગંજની એક હોટલમાં ટોળાએ માર માર્યો હતો. પોલીસ સૂત્રોને ટાંકીને સમાચારમાં લખવામાં આવ્યું છે કે રૂમી નાથના બીજા લગ્નને લઈને ભીડ ઝાકિરથી નારાજ હતી. ઘટના સમયે રૂમી નાથ ગર્ભવતી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રૂમી નાથની છે, જેમને આસામના કરીમગંજમાં ટોળાએ માર માર્યો હતો. ટોળાએ રૂમીના બીજા પતિ ઝાકી ઝાકીરને પણ માર માર્યો હતો. રૂમીના બીજા લગ્નને કારણે ભીડ ગુસ્સામાં હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News Alert: આસામની 10 વર્ષ જુની આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી...જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False