શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સર્જીકલ માસ્કનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના તંતુઓ દેખાઈ રહ્યા છે એ કીડા નહીં પરંતુ માસ્કની અંદર રહેલા ફેબ્રિકના રેસા છે. આ વીડિયોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat national tv news નામના ફેસબુક યુઝર દ્વારા 26 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તમે માસ્ક પહેરો છો એમાં મા પણ કીડા છે આ જુઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સર્જીકલ માસકમાં કીડા હોય છે જે તમે આ વીડિયોમાં જોઈ શકો છો.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને WHO ના સત્તાવાર વેબસાઈટ પર માસ્કને લગતી જાણકારી આપવામાં આવી હતી. જેમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. જેમાંથી અમને એ જાણવા મળ્યું હતું કે…

નીચેના જૂથો માટે તબીબી માસ્કનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તેઓ COVID-19 થી ગંભીર રીતે બીમાર થવાનું જોખમ વધારે છે અને મૃત્યુ પામે તેવી સંભાવના છે…

  1. 60 થી વધુ ઉંમરના વ્યક્તિઓ
  2. જે લોકોની આરોગ્યની પરિસ્થિતિ સારી ન હોય તેવા કોઈપણ ઉંમરના લોકો. જેમાં શ્વાસનો રોગ, હ્રદયરોગ, કેન્સર, મેદસ્વીપણા, રોગપ્રતિકારક દર્દીઓ અને ડાયાબિટીસ મેલીટસનો સમાવેશ થાય છે.

સામાન્ય લોકો જેમની ઉંમર 60 વર્ષથી ઓછી છે અને જેમના સ્વાસ્થ્યની પરિસ્થિતિ સારી છે તેઓ નોન-મેડિકલ કે કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર કોરોનાવાયરસ રોગ સામેની લડતમાં માસ્ક એ એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે. તેમના મતે, માસ્કનો ઉપયોગ ટ્રાન્સમિશનને નિયંત્રિત કરવા અને જીવન બચાવવા માટે એક વ્યાપક વ્યૂહરચનાના ભાગ રૂપે થવો જોઈએ

ત્યાર બાદ ફેક્ટ ક્રેસેન્ડોએ ‘હમદર્દ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ’ ના રોગચાળાના વિશેષજ્ઞ ડૉ.યાસીર આલ્વીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયોમાં માસ્કની સપાટી પર દેખાતા કાળા તંતુ કીટાણું નથી. આ માસ્કના જ ફેબ્રિકના રેસા છે. જો કોઈપણ માસ્કનો ઉપયોગ ગંદા હાથથી કરવામાં આવે છે અથવા તો તમાં ધૂળ અથવા માટી લાગી જાય તો માસ્કમાં સૂક્ષ્મજંતુ છે તેવું કહેવું ખોટું છે. માસ્ક પહેરતાં પહેલા હંમેશા તમારા હાથને સેનેટાઈઝ કરો અથવા સાબુથી તમારા હાથ ધોઈ લો. આ ઉપરાંત ધ્યાનમાં રાખો કે સૂક્ષ્મજંતુ એ માઇક્રોસ્કોપિક સજીવ છે જે નરી આંખોથી જોઈ શકાતા નથી કે મોબાઇલ ફોનના ઝૂમ કરવાથી. વીડિયોમાં જોવા મળતા કાળા તંતુઓ કપડાના જ ફેબ્રિકના રેસા જ છે, જે ગરમ વરાળ અથવા પાણીના લીધે હલતા જોવા મળે છે.

ફેક્ટ ક્રેસેન્ડોએ આ બાબતે વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રતિનિધિનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પરના દાવા એકદમ ખોટા છે. કોરોના વાયરસનો ચેપ એ વાયરસથી થાય છે જેનું કદ 50 એનએમ (નેનોમીટર) થી લઈને 140 એનએમ છે. આ વાયરસને નરી આંખથી કે સામાન્ય માઇક્રોસ્કોપમાં જોઈ શકાતો નથી. પરોપજીવી એ વિવિધ ચેપ માટે જવાબદાર સુક્ષ્મસજીવોનું અલગ જૂથ છે. જેનો કોરોના વાયરસ સાથે કોઈ જ સંબંધ નથી.

ચેક એકેડેમી ઓફ સાયન્સ’ના બાયોલોજી સેન્ટરની ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપી લેબોરેટરીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર જાના નેબેસરોવાએ માસ્કમાં દેખાતા કાળા રેસા જેવા એક આવા જ વીડિયો વિશે ‘એએફપી’ને જણાવ્યું કે, આ કાળા રંગના રેસા કપડાના રેસા લાગી રહ્યા છે. આ પ્રકારના રેસા હવામાં તરતા રહે છે. વાયરલ વીડિયોમાં આ રેસા હલતા નજરે પડી રહ્યા છે. આ હલતા રેસાને કિટાણું હોવાનો દાવો કરવો એ ખોટી બાબત છે.

આજ વીડિયો અમને એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં એક મહિલા કોઈ વિદેશી ભાષામાં વાત કરી રહી છે. આ વીડિયોના રુસી શીર્ષકમાં એવું લખેલું છે કે, “માસ્કમાં દેખાતા કીટાણું”. જેના પરથી એ વાત સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો ભારતનો નથી. વધુમાં આ વીડિયોમાંથી વિદેશી ભાષાને હટાવીને હિન્દી ભાષામાં વોઈસ ઓવર કરવામાં આવ્યો છે. 

આ વીડિયો ઘણા બધા અલગ-અલગ દેશોમાં આવા જ મળતા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો સંદર્ભમાં કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ આ વીડિયો ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. કઝાકિસ્તાનની વેબસાઈટ ‘અર્નાપ્રેસ’ માં પ્રકાશિત એખ અહેવાલ અનુસાર કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગની ‘કમિટી ઓફ સેનિટરી એન્ડ એપિડીમિયોલોજીકલ કંટ્રોલ ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ’ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ્કમાં કીડા હોવાની જે વાત આ વીડિયોમાં કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે. 

ઉપરોક્ત દાવા અનુસાર ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે જ્યારે એક સાધારણ સર્જીકલ માસ્કને ખોલીને ગરમ પાણીની વરાળ પર મૂક્યું તો અમને વીડિયોમાં કરવામાં આવેલા દાવા મુજબના કોઈ પણ પ્રકારના કીટાણું જોવા મળ્યા નહતા. આ વીડિયોને તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં માસ્કને ગરમ કરતાં જે કાળા રંગના તંતુઓ દેખાઈ રહ્યા છે એ કીડા નહીં પરંતુ માસ્કની અંદર રહેલા ફેબ્રિકના રેસા છે.

Avatar

Title:શું ખરેખર બજારમાં વેચાતા સર્જીકલ માસ્કમાં કીડા હોય છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False