તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વડીલ દંપતિ યુવક-યુવતીને પગે લાગી રહ્યું હોય એવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં પ્રેમલગ્ન કરેલા યુવક અને યુવતી બંને હિંદુ તેમજ એક જ જ્ઞાતિના છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Gupta નામના ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *लव जिहाद* धर्म परिवर्तन कर निकाह कर कागज के दम पर बेशर्म बेटी ने मा बाप से जुड़वाए हाथ, गुजरात बनासकांठा की कल की सत्य घटना, *हे परमात्मा हिन्दू कब जागेगा*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના બનાસકાંઠા ખાતે વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલી યુવતીએ માતા-પિતાને હાથ જોડાવ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને sandesh.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 3 જૂન, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં અમને ક્યાંય પણ આ ઘટના લવ જેહાદની હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામે આ દીકરીની સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં સગાઇ કરાઇ હતી. પણ દીકરીએ જ્યાં સગાઇ થઇ ત્યાં નહીં પણ બીજા નાના ભાઈના સાળા જોડે જ ભાગી પ્રેમ લગ્ન કરી લીધા હતા. દીકરીને મોટા ભાઈના સાટામાં સગાઇ થઇ હતી અને ત્યાં પરણાવવાની હતી. જોકે યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે. દીકરીએ માતા-પિતાની ગરીબાઇનો વિચાર કર્યા વીના નાના ભાઈના સાળા જોડે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિણામે મોટા ભાઈ અને નાના ભાઇના ઘરસંસારમાં અસર પડે એમ છે. જ્યારે માં-બાપને તરછોડીને જતી રહેતી દીકરી જે મા-બાપને હાથ જોડીને આજીજી કરાવે છે. પગે લાગે છે છતા મા-બાપને ઓળખવાનો ઇન્કાર કરીને પ્રેમી સાથે જતી રહે છે.

આ સમાચારમાં યુવતી અને યુવક બંને હિંદુ બારોટ સમાજના હોવાની માહિતી આપવામાં આવી છે. ક્યાંય પણ આ ઘટના લવ જેહાદ કે હિંદુ-મુસ્લિમ હોવાની કોઈ જ માહિતી સમાચારમાં આપવામાં આવી નહતી.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. etvbharat.com | zeenews.india.com

ઉપરોક્ત સમાચારની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ યુવતીનું નામ વનિતા છે અને તે રૈયા ગામના ગલબાભાઈ બારોટની પુત્રી છે તેમજ તેણીએ જે યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે એ યુવક વરનોડા ગામના મણીભાઈ બારોટનો પુત્ર છે જેનું નામ જીગર છે.

ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે દિયોદર પોલીસ મથકનો સંપર્ક કરતાં અમારી વાત અ.હેડ.કોન્સ્ટેબલ હિરાભાઈ સાથે થતાં તેઓએ અમને જમાવ્યું હતું કે, “આ ઘટનામાં લવ જેહાદની કોઈ વાત જ નથી. પ્રમલગ્ન કરનાર બંને યુવક-યુવતી એક જ જ્ઞાતિના છે. જેમાં યુવક વરનોડાનો રહેવાસી છે જેનું નામ જીગર બારોટ છે તેમજ યુવતી રૈયાની રહેવાસી છે તેનું નામ વનિતા બારોટ છે.”

ત્યાર બાદ અમે દિયોદર પોલીસ મથકના પીએસઆઈ જે.એન.દેસાઈ સાથે આ બાબતે વાત કરતાં તેઓએ પણ અમને એ જણાવ્યું હતું કે, “આ ઘટનામાં હિંદુ-મુસ્લિમ કે લવ જેહાદની વાત જ નથી. તેમજ યુવક અને યુવતી બંને એક જ જ્ઞાતિના છે તેઓએ 10 એપ્રિલ, 2023 ના રોજ પ્રેમલગ્ન કરી લીધા હતા.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં પ્રેમલગ્ન કરેલા યુવક અને યુવતી બંને હિંદુ તેમજ એક જ જ્ઞાતિના છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બનાસકાંઠા ખાતે બનેલી પ્રેમલગ્નની ઘટનાનો વીડિયો લવ જેહાદના નામે વાયરલ...

Written By: Vikas Vyas

Result: False