
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટેજ શોમાં ગીત ગાઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં સ્ટેજ શોમાં જે વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે એ યુક્રેનનો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ યુક્રેનનો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી નથી, પરંતુ યુક્રેનના એક મ્યુઝિક બેન્ડના હાસ્ય કલાકાર વાસિલી વાસિલીવિચ હુમેનિયુકી છે. તે યુક્રેનના એક રાજકારણી પણ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Asvin Kamdar નામના ફેસબુક યુઝર દ્વારા 1 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *ઝેલેન્સકી યુક્રેન ના પ્રેસીડન્ટ પહેલા કોમિડીયન “Before becoming Ukrainian PM, he was a Comedian(1.0).* . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં સ્ટેજ શોમાં જે વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે એ યુક્રેનનો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા દ્રશ્યો સાથેનો અહેવાલ 24 ઓક્ટોમ્બર, 2017 ના રોજ prolviv.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “લીગ ઓફ લાફ્ટર” નામના શોમાં “વિન્નીત્સા” નામની ટીમે “આઈઝ ઓફ અ મેઇડન” નામનું ગીત ગાયું હતું. તમને જણાવી દઈએ કે, આ લેખ 24 ઓક્ટોબર 2017 ના રોજ પ્રકાશિત થયો હતો.

જેના પરથી અમને એ જાણવા મળ્યું કે, આ વીડિયો હાલનો નથી. પછી અમે ફેસબુક પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને તેનો ઓરિજીનલ વીડિયો 25 ઓક્ટોમ્બર, 2017 ના રોજ ક્વાર્ટર 95 સ્ટુડિયો (Студія “Квартал 95”) નામના સત્તાવાર ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
તમને એ પણ જણાવી દઈએ કે, ક્વાર્ટર 95 એક ટીવી પ્રોગ્રામનું નામ છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં દેખાઈ રહેલો કલાકાર “Vinnitsa Peppers” નામના યુક્રેનિયન મ્યુઝિક બેન્ડનો સભ્ય છે.

પછી અમે તપાસ કરી કે, વીડિયોમાં જે વ્યક્તિને યુક્રેનનો રાષ્ટ્રપતિ ગણાવવામાં આવી રહ્યો છે એ વ્યક્તિ ખરેખર કોણ છે?
ગૂગલ પર કીવર્ડ સર્ચ કરવા પર અમને ria.ru નામની વેબસાઈટ પર એજ શોની એક તસવીર પ્રકાશિત કરવમાં આવી હતી જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

આ અહેવાલમાં ફોટોને સંબોધિત કરતી વખતે સ્પષ્ટપણે લખ્યું છે કે, આ વ્યક્તિનું નામ “વાસિલી વાસિલીવિચ હુમેનિયુકી” છે અને તે યુક્રેનના મોટા રાજકારણી છે. 23 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રકાશિત થયેલા આ લેખમાં એવું જણાવવામાં આવ્યું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કોમેડી શો “લીગ ઓફ લાફ્ટર” ના હાસ્ય કલાકાર વાસિલી વાસિલીવિચ હુમેનિયુકીને યુક્રેનના ખમેલનિત્સકી પ્રદેશના યાર્મોલિનેટસ્કી જિલ્લા રાજ્ય વહીવટીતંત્રના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વીડિયોમાં દેખાતો વ્યક્તિ યુક્રેનનો રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી નથી, પરંતુ યુક્રેનના એક મ્યુઝિક બેન્ડના હાસ્ય કલાકાર વાસિલી વાસિલીવિચ હુમેનિયુકી છે. તે યુક્રેનના એક રાજકારણી પણ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર વીડિયોમાં ગીત ગાઈ રહેલો વ્યક્તિ યુક્રેનનો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
