શું ખરેખર સુરતમાં હિંદુ યુવાન દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ મુસ્લિમ વેપારી પર હુમલો કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પછી ઘણી સાચી-ખોટી પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં એક ઘટનાના સીસીટીવી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક શખ્સ દુકાનની અંદર બેસેલા વેપીરીઓ પર હુમલો કરી રહ્યો છે. આ સીસીટીવીને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ હિંદુ યુવાન દ્વારા મુસ્લિમ વેપારીઓ પર હુમલો કરવામાં આવ્યો તેના સીસીટીવી છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ ઘટનાને કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
शाहिद ईमान નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ હિંદુ યુવાન દ્વારા મુસ્લિમ વેપારીઓ પર હુમલો કરવામાં આવ્યો તેના સીસીટીવી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોની સાઈડ માં Surat_Breking Instagram વાંચવા મળ્યુ હતુ.
જે ક્લુના આધારે અમે ઈનસ્ટાગ્રામ પર સર્ચ કરતા અમને આ જ વિડિયો સુરત_બ્રેકિંગ નામના ઈન્સ્ટાગ્રામ પર પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સલાબતપુરા વિસ્તારમાં ભાઠેના ઉમિયામાતાજી મંદિર પાસે બે ઈસમે ઇલેક્ટ્રિકની દુકાનમાં હુમલો કર્યો હતો. હપ્તા વસૂલી માટે દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. તલવાર અને લાકડાના ફટકા સાથે દુકાનદાર પર હુમલો કર્યો હતો. મારમારી ની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે ગૂગલ પર આ અંગે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ 18 નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “હપ્તાની માંગણી કરી શિવા અને આર નામના શખ્સોએ ઇલેક્ટ્રિકના વેપારી પર હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.”
ન્યુઝ18 ગુજરાતી તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સલાબતપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી, આ સમગ્ર ઘટના અમારા ધ્યાનમાં આવી છે અને તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. લોકોને પણ નમ્ર અપિલ છે કે ખોટી માહિતી સોશિયલ મિડિયા પર ફેલાવી અને લોકોમાં ભ્રામક્તા ન ફેલાવે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ ઘટનાને કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર સુરતમાં હિંદુ યુવાન દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ જોયા બાદ મુસ્લિમ વેપારી પર હુમલો કરવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: False