શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો...? જાણો શું છે સત્ય...
કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં એક જજ વકીલને ઠપકો આપી રહ્યા છે. આ વિડિયોને હાલમાં કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની પ્રેક્ટિસ પર આજીવન પ્રતિબંધ મૂક્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં દેખાતી કોર્ટની કાર્યવાહી હિજાબ વિવાદ સાથે સંબંધિત નથી. કર્ણાટક હાઈકોર્ટે હિજાબના સમર્થનમાં અરજીકર્તાઓનો બચાવ કરતા વકીલની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂક્યો નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shantilal Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટક હાઈકોર્ટના એક ન્યાયાધીશે હિજાબ તરફી અરજી કરનારાઓનો બચાવ કરતા મુસ્લિમ વકીલની પ્રેક્ટિસ પર આજીવન પ્રતિબંધ મૂક્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
પહેલા અમે યુટ્યુબ પર કિવર્ડ સર્ચ કરીને આ વિડિયો શોધવાનો પ્રયાસ કર્યો. પરિણામે, અમને ઓરિજનલ વિડિયો 3જી માર્ચે કર્ણાટક હાઈકોર્ટની ઓફિશિયલ ચેનલ પર પ્રસારિત થતો જોવા મળ્યો હતો.
આમાં તમે 1.04.23 થી વાયરલ થઈ રહેલા વિડિયો સાથે સંબંધિત ભાગ જોઈ શકો છો. આમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કર્ણાટક હાઈકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ છે, જે 3જીએ સવારે 10.30 વાગ્યે શરૂ થઈ હતી.
તમે નીચે આ વિડિયો જોઈ શકો છો.
આ વિડિયો જોઈને અમને ખબર પડી કે આ એક પ્રોપર્ટી કેસની કાર્યવાહીનો વિડિયો છે.
ત્યારબાદ હિજાબ વિવાદમાં ચાલી રહેલા કેસ વિશે થોડી માહિતી મેળવવા માટે અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું કે કર્ણાટક હાઈકોર્ટમાં ત્રણ જજની બેંચ હિજાબના કેસમાં કામ કરી રહી છે. તેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિત અને જેએમ ખાજી સામેલ હતા.
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે 15 માર્ચે સુનાવણી કરી હતી. કર્ણાટકની શાળાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પડકારતી તમામ અરજીઓને ફગાવી દેતાં તેમણે ચુકાદો આપ્યો હતો કે હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત પ્રથા હેઠળ આવતું નથી. તેમણે એવો પણ ચુકાદો આપ્યો કે યુનિફોર્મ પહેરવા પરનો પ્રતિબંધ વાજબી છે અને વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી શકે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે હેડસ્કાર્ફ સ્કૂલ યુનિફોર્મનો ભાગ નથી.
તમને જણાવી દઈએ કે હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે હવે કર્ણાટકના મુસ્લિમ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ઉડુપીના છ મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
આનાથી અમને સમજાયું કે વાયરલ થઈ રહેલા વિડિયોમાં, બે જજની બેંચ કોર્ટની કાર્યવાહી ચલાવી રહી છે, જ્યારે હિજાબ કેસની સુનાવણી ત્રણ જજની બેન્ચ કરી રહી છે. બીજી તરફ વાયરલ થઈ રહેલો વિડિયો 3 માર્ચનો છે. અને હિજાબ વિવાદ મામલામાં 25 ફેબ્રુઆરી બાદ આ મામલાની સુનાવણી 15 માર્ચે કરવામાં આવી હતી.
આના પરથી અમે અનુમાન લગાવીએ છીએ કે આ વિડિયો હિજાબ કેસની કોર્ટની કાર્યવાહીનો નથી.
ત્યારબાદ, ફેક્ટ ક્રેસેન્ડો સિનિયર એડવોકેટ સદાશિવ રેડ્ડી વાયઆર, બેંગલુરુના સંપર્કમાં આવ્યો. અમે તેમને આ વિડિયો વિશે પૂછપરછ કરી. તેમણે અમને કહ્યું કે “આ વિડિયોમાં કાર્યવાહી સમયે હું પણ હાજર હતો. આ હિજાબ કેસની કાર્યવાહી નથી, આ સંપૂર્ણપણે અલગ કેસની કાર્યવાહીનો વિડિયો છે. જેની ચર્ચા થઈ રહી હતી તેવો જ એક કેસ ચીફ જસ્ટિસ દ્વારા યોગ્યતાના આધારે ફગાવી દેવામાં આવ્યો હતો. અને ત્યાં હાજર વકીલે આ જ કેસ પર પિટિશન દાખલ કરી હતી અને તેની ચર્ચા કરી રહ્યા હતા અને તેથી ચીફ જસ્ટિસે તેમને ઠપકો આપ્યો હતો. બાર કાઉન્સિલના પ્રમુખને બોલાવવા આદેશ કર્યો અને જે તે વકીલની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો. પરંતુ બીજા દિવસે વકીલે માફી અરજી કરી અને તેના કારણે તેની સામેની કાર્યવાહી અટકાવી દેવામાં આવી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં દેખાતી કોર્ટની કાર્યવાહી હિજાબ વિવાદ સાથે સંબંધિત નથી. કર્ણાટક હાઈકોર્ટે હિજાબના સમર્થનમાં અરજીકર્તાઓનો બચાવ કરતા વકીલની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂક્યો નથી.
Title:શું ખરેખર કર્ણાટક કોર્ટે હિજાબ તરફી અરજદારોનો બચાવ કરતા વકીલ પર પ્રતિબંધ મૂક્યો...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False