શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

Partly False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી પાસેથી તમંચો જપ્ત કરી રહેલી મહિલા પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા તમંચા સાથે પકડાયેલી જે યુવતીનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ યુવતી શિક્ષિકા ન હોવાની માહિતી મૈનપુરી પોલીસે આપી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

S9 News – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 14 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુપીમાં શિક્ષિકા પાસેથી પોલીસને મળ્યો તમંચો – આપ શું કહેશો ?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો timesnownews.com દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ પોલીસે જીન્સના ખિસ્સામાં દેશી બનાવટની પિસ્તોલ સાથે મૈનપુરીમાં એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે હવે આર્મ્સ એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

NDTV અનુસાર, તમંચા સાથે પકડાયેલી મહિલાનું નામ કરિશ્માસિંહ યાદવ છે, જે ફિરોઝાબાદની એક સ્કૂલમાં શિક્ષિકા છે. આજ યુવતીનો વીડિયો કેટલીક જગ્યાએ મુસ્લિમ યુવતીના નામથી પણ વાયરલ થઈ રહ્યો છે.

અમારી વધુ તપાસમાં અમને મૈનપુરી પોલીસ દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર કરવામાં આવેલું એક ટ્વીટ મળ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, તપાસ કરતાં તેમને જાણવા મળ્યું છે કે, તમંચા સાથે પકડાયેલી મહિલા શિક્ષિકા નથી અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

મૈનપુરી પોલીસે આ ઘટના અંગે એક સમાચાર અહેવાલ પણ પોસ્ટ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે, એક સૂચનાના આધારે મૈનપુરી જિલ્લાની કોતવાલી પોલીસે પિસ્તોલ રાખવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી. મહિલા ફિરોઝાબાદથી મૈનપુરી કોઈ કામ માટે આવી હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ મૈનપુરી કોતવાલીના એસએચઓ અનિલ સિંહનો સંપર્ક કર્યો હતો. જેમણે અમને જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલી માહિતી ખોટી છે. પિસ્તોલ સાથે ઝડપાયેલી છોકરી ન તો મુસ્લિમ સમુદાયની છે અને ન તો તે શિક્ષિકા છે. તેનું નામ કરિશ્મા યાદવ છે જે 12મું પાસ છે. તેણે પોલીસને જણાવ્યું છે કે, તેની માતાએ તેના પિતાની હત્યા કરી અને પોતાને ગોળી મારી. તેના માતા-પિતાના અવસાન પછી, તેને ઘણી મિલકત વારસામાં મળી હતી અને તેના જીવને જોખમ હોવાની શંકા હોવાથી તેણે પિસ્તોલ પોતાની પાસે રાખી હતી. વધુમાં તેણે જણાવ્યું કે, પિસ્તોલ તેની સુરક્ષા માટે તેની પાસે રાખી હતી. તે દક્ષિણ ફિરોઝાબાદમાં રહે છે અને તેના સંબંધીઓને મળવા મૈનપુરી આવી હતી.

ફેક્ટ ક્રેસેન્ડોની અંગ્રેજી ટીમે પણ આ વીડિયો અંગેની સત્યતા ચકાસી હતી. જે તમે અહીં જોઈ શકો છો. english.factcrescendo.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા તમંચા સાથે પકડાયેલી જે યુવતીનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ યુવતી શિક્ષિકા ન હોવાની માહિતી મૈનપુરી પોલીસે આપી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Partly False