શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર પરત આવી હતી. દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર દ્વારા પોતાના શરીર પર આગ લગાડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી ગઈ હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં સપા નેતા યોગી આદિત્યનાથના ફોટાને સળગાવવા નથી જઈ રહ્યા પરંતુ સપાની હારથી નારાજ થઈ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી ગઈ હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતક નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળનું ગઠબંધન ફરીથી જોરદાર જીત સાથે સત્તામાં પરત ફરતું હોય તેવું લાગે છે. ભાજપ ગઠબંધનની જીતથી દુઃખી થયેલા વિપક્ષી સમાજવાદી પાર્ટી (SP)ના એક કાર્યકર્તાએ રાજધાની લખનઉંમાં ભાજપ કાર્યાલયની બહાર આત્મદાહનો પ્રયાસ કર્યો. સમાજવાદી પાર્ટીના કાર્યકરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.” 

આજતક.કોમ | સંગ્રહ

તેમજ ઈન્ડિયાન્યુઝ 24 દ્વારા આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, સપા નેતા પોતાના શરીર પર પેટ્રોલ ભરેલી બોટલ છાંટી રહ્યા છે. આ સંપૂર્ણ વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાને લઈ પોલીસનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, “એસીપી હઝરતગંજ અખિલેશ સિંહના જણાવ્યા અનુસાર નરેન્દ્ર સિંહ સાંજે ચાર વાગ્યે વિધાન ભવનની સામે પહોંચ્યા અને અચાનક તેલ રેડીને પોતાની જાતને આગ ચાંપી લીધી. પોલીસ તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. તબીબોના જણાવ્યા અનુસાર સપા નેતા 40 ટકા દાઝી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિન્ટુ ઠાકુર હોસ્પિટલ જતા રસ્તામાં બૂમો પાડી રહ્યો હતો કે બીજેપી દ્વારા ફરીથી સરકાર બનાવવાથી તે દુખી છે. આ સાથે જ ભાજપ ફરી સરકાર બનાવવાના વલણને લઈને ભાજપ કાર્યાલય અને વિધાન ભવનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં પોલીસની હાજરીમાં આત્મવિલોપનના પ્રયાસને કારણે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. પિન્ટુ ઠાકુર સપાના જૂના કાર્યકર છે. તેઓ પૂર્વ ધારાસભ્ય શ્યામ મિશ્રાના જમાઈ છે.

અમરઉજાલા.કોમ | સંગ્રહ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે હજરતગંજ પોલીસ સ્ટેશનના એસએસઆઈ દયાશંકર દ્વિવેદીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “નરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુ દ્વાર સપાની હારથી નારાજ થઈ અને આ પગલુ ભરવામાં આવ્યુ હતુ. તેમના હાથમાં યોગી આદિત્યનાથનો ફોટો ન હતો. યોગી ફોટો સળગાવવા જતા તેને આગ ન હતી લાગી પરંતુ તે પોતે પેટ્રોલની બોટલ સાથે લાવ્યા હતા અને શરીર પર રેડી અને આગ લગાડી દિધી હતી. યોગીનો ફોટો સળગાવવા જતા આગ લાગી હોવાની વાત તદ્દન ખોટી છે.” 

તેમજ વધુ સર્ચ કરતા અમને જાનંજ્વર ન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આપેલી માહિતી પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, “પૂર્વ પાર્ષદ દુર્ગેશ યાદવ પણ આ ઘટના વખતે નરેન્દ્ર સિંહ ઉર્ફે પિન્ટુ સાથે હતા.” 

તેથી અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પૂર્વ પાર્ષદ દુર્ગેશ યાદવનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના બની ત્યારે મારી કાર થોડી આગળ હતી. પરંતુ ઘટના બનતા અમે ત્યા દોડી ગયા હતા. તેમના હાથમાં ઈવીએમ હેક નું બેનર હતુ. કારણ કે, તેમને લાગી રહ્યુ હતુ કે, ભાજપા દ્વારા આ ચૂંટણી ઈવીએમ હેક કરીને જ જીતી હતી. તેમણે તેમની કારમાં પણ ઈવીએમનો વિરોધ કરતુ બેનર લગાવ્યુ હતુ. યોગીનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.” 

તેમજ અંતે અમારી પડતાલને મજબૂત કરવા અમે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ભાજપાએ ઈવીએમ હેક કરીને જ આ ચૂંટણી જીતી છે. ભાજપા જીતી શકે તેવા કોઈ સંજોગ જ ન હતા. મારા હાથમાં ઈવીએમ હેક કર્યુ હોવાનું બેનર હતુ, યોગી આદિત્યાનાથનો ફોટો ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં સપા નેતા યોગી આદિત્યનાથના ફોટાને સળગાવવા નથી જઈ રહ્યા પરંતુ સપાની હારથી નારાજ થઈ આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યા હતા.

Avatar

Title:શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…?

Fact Check By: Yogesh Karia 

Result: Misleading