શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, અમદાવાદમાં આ પ્રકારની કોઈ જ બાંગ્લાદેશી ટોળકી સક્રિય થઈ નથી એવું સાયબર ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ આ માહિતી વર્ષ 2015 થી વારંવાર વાયરલ થઈ રહી છે. આ માહિતીને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ માહિતીને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Tofiq Ali નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી અમને ફેસબુક પર ઘણા બધા યુઝર દ્વારા વર્ષ 2015 માં મૂકવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ માહિતી લગભગ 2015 થી વાયરલ થઈ રહી છે એટલે કે એ જૂની છે.

Facebook Post

ત્યારબાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ વિભાગમાં ફરજ બજાવતા મુકુંદસિંહ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ માહિતી ઘણા વર્ષો પહેલાં પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જે તદ્દન ખોટી છે. હાલમાં આ પ્રકારની કોઈ જ બાંગ્લાદેશી ટોળકી અમદાવાદમાં સક્રિય નથી કે આવી કોઈ જ ઘટના અમદાવાદ ખાતે બની નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, અમદાવાદમાં આ પ્રકારની કોઈ જ બાંગ્લાદેશી ટોળકી સક્રિય થઈ નથી એવું સાયબર ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ આ માહિતી વર્ષ 2015 થી વારંવાર વાયરલ થઈ રહી છે. આ માહિતીને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False