શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

નુપુર શર્માની અરજી પર સુનાવણી કરતા 1 જુલાઈએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જે. બી. પારદીવાલાએ નુપુર શર્માની નિંદા કરતા કહ્યું કે તેના વિવાદાસ્પદ નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી છે. તેથી તેણે આખા દેશની માફી માંગવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુપ્રિમ કોર્ટના જજ પારદીવાલા 1989-90માં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રહી ચુક્યા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જે. બી. પારદીવાલા ક્યારેય કોંગ્રેસના ધારાસભ્ય ન હતા. પરંતુ તેમના પિતા બુર્જોર કાવસજી પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anil Shingala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુપ્રિમ કોર્ટના જજ પારદીવાલા 1989-90માં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રહી ચુક્યા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર જજ જે. બી. પારદીવાલાનું પૂરૂ નામ જમશેદ બર્જોર પારદીવાલા છે. પારસી સમુદાયમાંથી આવનાર સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં તેઓ છઠ્ઠા જજ છે.

તેમનો જન્મ 12 ઓગસ્ટ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. વલસાડની કે.એમ.મૂલજી લો કોલેજમાંથી 1988માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ તેમણે 1990માં ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2002માં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત થયા હતા. 2011માં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત થયા અને 2013માં કાયમી જજ બન્યા. ત્યારબાદ 9 મે 2022ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.

આ માહિતીમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા.

જે. બી. પારદીવાલાના પિતા ધારાસભ્ય હતા

જે. બી પારદીવાલાના પિતા બુર્જોર કાવસજી પારદીવાલા પણ 1955માં વલસાડ બારમાં જોડાયા હતા. જોકે બાદમાં તેઓ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા. ડિસેમ્બર 1 જાન્યુઆરી 1990 થી માર્ચ 1990 વચ્ચે, તેમણે સાતમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

બુર્જોર કાવસજી પારદીવાલાએ 1985ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેમનું નામ ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જે. બી. પારદીવાલા ક્યારેય કોંગ્રેસના ધારાસભ્ય ન હતા. પરંતુ તેમના પિતા બુર્જોર કાવસજી પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા.

Avatar

Title:શું ખરેખર નુપુર શર્મા કેસની સુનાવણી કરનાર જજ જે. બી. પારદીવાલા કોંગ્રેસના ધારાસભ્ય હતા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False