
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહિલાને પગે લાગી રહેલો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા નહીં પરંતુ વારાણસીની શિખા રસ્તોગી નામની મહિલા છે. આ ફોટોને IAS આરતી ડોગરા સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Paresh Doshi નામના ફેસબુક યુઝર દ્વારા 21 નવેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર amarujala.com દ્વારા 16 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘કાશી વિશ્વનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી એક વિકલાંગ મહિલાને મળ્યા હતા. તે મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ વડાપ્રધાને તેને રોકી અને પોતે તેના પગને સ્પર્શ કર્યો હતો. આ છોકરીનું નામ શિખા રસ્તોગી છે.”

તમને જણાવી દઈએ કે, શિખા રસ્તોગી વારાણસીના સિગરા વિસ્તારની રહેવાસી છે. તે ઘરે સિલાઈ, વણાટકામ કરે છે અને ડાન્સ ક્લાસ પણ ચલાવે છે. ઝી બિહાર ઝારખંડની યુટ્યુબ ચેનલ પર પણ આ ઘટનાના વીડીયો સમાચાર ઉપલબ્ધ છે.
અમારી વધુ તપાસમાં ફેક્ટ ક્રેસેન્ડોએ રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી આરતી ડોગરા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે, “જે દાવો વાયરલ થઈ રહ્યો છે તે ખોટો છે. હું એ મહિલા નથી જેના પગને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પર્શે છે. હું રાજસ્થાનમાં કામ કરું છું અને તાજેતરમાં વારાણસીની મુલાકાત પણ કરી નથી.”
આરતી ડોગરાએ વર્ષ 2006માં પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મહિલાને પગે લાગી રહ્યા છે એ IAS આરતી ડોગરા નહીં પરંતુ વારાણસીની શિખા રસ્તોગી નામની મહિલા છે. આ ફોટોને IAS આરતી ડોગરા સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શુ ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી IAS આરતી ડોગરાને પગે લાગી રહ્યા છે…?
Fact Check By: Vikas VyasResult: False
