આ દિવસોમાં એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે ટેબલ પર મોટી સંખ્યામાં સોનાના ઘરેણાં જોઈ શકો છો. તેમાં તમે પોલીસ અને કેટલાક અન્ય લોકોને પણ જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી જે. શેખર રેડ્ડીના ઘરે આવક વેરાની ટીમ દ્વારા દરોડા પાડીને 37 કરોડ રૂપિયા રોકડા અને 106 કિલો સોનું રિકવર કર્યું હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયોમાં બતાવવામાં આવેલા સોનાનો વિડિયો તમિલનાડુના વેલ્લોરમાં સોનાના શોરૂમમાં ચોરી બાદ આરોપી પાસેથી રિકવર કરાયેલું સોનાનો છે. તેનો જે. શેખર રેડ્ડીના ઘર પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dinesh Sagathiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટી જે. શેખર રેડ્ડીના ઘરે આવક વેરાની ટીમ દ્વારા દરોડા પાડીને 37 કરોડ રૂપિયા રોકડા અને 106 કિલો સોનું રિકવર કર્યું હતુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કિવર્ડ સાથે સર્ચ કરીને આ વિડિયોને શોધવાનો પ્રયાસ કર્યો. દરમિયાન અમને તમિલ ગલાટા નામની ચેનલ પર પોલીસની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર તામિલનાડુની વેલ્લોર પોલીસે 15 કિલો ચોરેલું સોનું રિકવર કર્યું હતું. આ કાર્યવાહી અંગે માહિતી આપવા માટે પોલીસે આ કોન્ફરન્સ યોજી હતી.

વિડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં અમને "જોયલુક્કાસ" લખેલું જોવા મળ્યું. જ્યારે અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે વેલ્લોરમાં જોયલુક્કાસ જ્વેલરી નામનો એક મોટો જ્વેલરી શોરૂમ છે. અમને વિકટન ટીવી નામની વેરિફાઈડ ચેનલ પર 23મી ડિસેમ્બરે પ્રસારિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, “15 ડિસેમ્બરે વેલ્લોરના એક જ્વેલરી શોરૂમમાંથી 8 કરોડની કિંમતનું 15.9 કિલો સોનાની અને હીરાની ચોરી થઈ હતી.

આ મામલામાં 20 ડિસેમ્બરે પોલીસે ઓડુકાથુર નામની જગ્યાએથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તેણે યુટ્યુબ જોઈને ચોરી કરી હતી.

ત્યારબાદ અમને 21 ડિસેમ્બરના ધ હિન્દુ દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ કેસમાં 23 વર્ષીય ટી.કે. રમણ નામના ગુનેગારની ઓડુગાથુર ગામમાં તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાં તેણે ચોરીના દાગીના જમીનમાં દાટી દીધા હતા. વેલ્લોર નોર્થ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુનેગારે એક અઠવાડિયા સુધી શોરૂમની દિવાલમાં ડ્રિલથી હોલ કર્યું હતુ અને પછી એક દિવસ શોરૂમમાં લૂંટ કરી અને દાગીનાની ચોરી કરી હતી.

ધ હિન્દુ | સંગ્રહ

આ પછી ફેક્ટ ક્રેસેન્ડોએ વેલ્લોરના D.I.G. એ.જી. બાબુનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે અમને કહ્યું કે “આ વિડિયો વેલ્લોરમાં તાજેતરમાં થયેલી સોનાની ચોરી સાથે સંબંધિત છે. તેનો જે.શેખર રેડ્ડી સાથે કોઈ લેવાદેવા નથી."

શું છે જે. શેખર રેડ્ડીના ઘરે દરોડાનો મામલો હતો?

વર્ષ 2016માં તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ બોર્ડના તત્કાલીન સભ્ય અને ઉદ્યોગપતિ જે. શેખર રેડ્ડીના ઘરે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગ દ્વારા ચેન્નાઈ અને વેલ્લોરમાં તેમના નિવાસસ્થાન અને ઓફિસમાંથી લગભગ 127 કિલો સોનું અને 170 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

આ કેસમાં સીબીઆઈ દ્વારા વર્ષ 2018માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પછી વર્ષ 2019માં, આવકવેરા વિભાગે તારણ કાઢ્યું કે જપ્ત કરાયેલા નાણાં તેની ફર્મ SRS માઇનિંગ દ્વારા રેતીના વેચાણમાંથી પ્રાપ્ત થયા હતા. વર્ષ 2020માં સીબીઆઈએ જાહેર કર્યું હતું કે જે. શેખર રેડ્ડી વિરૂદ્ધ તેમને કોઈ પુરાવા મળ્યા નથી.

તમને જણાવી દઈએ કે જે. શેખર રેડ્ડી તમિલનાડુના કટપડીના થોંડન તુલસી ગામના વતની છે. તેણે લગભગ 15 વર્ષ પહેલા વેલ્લોરમાં નાના પાયે કોન્ટ્રાક્ટ કરીને બિઝનેસ શરૂ કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં બતાવવામાં આવેલા સોનાનો વિડિયો તમિલનાડુના વેલ્લોરમાં સોનાના શોરૂમમાં ચોરી બાદ આરોપી પાસેથી રિકવર કરાયેલું સોનાનો છે. તેનો જે. શેખર રેડ્ડીના ઘર પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:આ વિડિયો વેલ્લોરમાંથી ચોરેલા સોનાનો છે; તિરૂપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટીના ઘર પર દરોડા સાથે તેનો કોઈ સંબંધ નથી...

Fact Check By: Yogesh Karia

Result: False