
તાજેતરમાં દિલ્હી ખાતે ખેડૂતોનું સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 7 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા દિલ્હીના રસ્તાઓ પર દેખાવના ભાગરૂપે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેને પગલે ટ્રેક્ટર રેલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ટ્રેક્ટર દ્વારા સ્ટંટ કરતા એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 26 મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ યોજાવાની છે તેની તૈયારીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટ્રેક્ટર વેચાણ માટે એક કંપની દ્વારા બનાવવામાં આવેલા વીડિયોનો છે જેને ખેડૂત આંદોલન, ટ્રેક્ટર રેલી કે પરેડ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Viral Savliya નામના ફેસબુક યુઝર દ્વારા 05 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જો કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો 26 મી જાન્યુઆરી ના રોજ દિલ્હીમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ યોજવામાં આવશે… તેની એક ઝલક. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો 26 મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પરેડ યોજાવાની છે તેની તૈયારીનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Swaraj tractor kisan motors in bewari નામના ફેસબુક પેજ દ્વારા 11 નવેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે ટ્રેક્ટર અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આ વીડિયો ટ્રેક્ટરની એક જાહેરાતના રૂપે પ્રસારિત કરવામાં આવ્યો છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે કિસાન મોટર્સના માલિક રાકેશ માચરાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર ટ્રેક્ટરના આ વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે એ તદ્દન ખોટો છે. આ વીડિયો અમે જ બનાવ્યો છે. અમારે ત્યાં જે ટ્રેક્ટર વેચાણ માટે હોય છે તેની જાહેરાત માટે અમે તેના આ પ્રકારના વીડિયો અને ફોટા અમારા ફેસબુક પેજ પર મૂકીએ છીએ. આ વીડિયો જોધપુરનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. અમારા ત્યાંથી ખેડૂત આંદોલનમાં કોઈ જ ગયું નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ટ્રેક્ટર વેચાણ માટે એક કંપની દ્વારા બનાવવામાં આવેલા વીડિયોનો છે જેને ખેડૂત આંદોલન, ટ્રેક્ટર રેલી કે પરેડ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:ટ્રેક્ટર વેચાણની જાહેરાત માટે બનાવવામાં આવેલો વીડિયો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
