
તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર સૈનિક પર ગુસ્સો કરી રહેલી એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની બાળકી દ્વારા રશિયન સૈનિક પર ગુસ્સો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2012 માં એક ઈઝરાયલી સૈનિક પર ગુસ્સો કરી રહેલી ફિલીસ્તાની બાળકીનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
रायसिंगभाई बौद्ध धम्म ऊपासक નામના ફેસબુક યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એક નાની બાળકી રશિયન સૈનિક સાથે પોતાના દેશની હાલત પર કેવો ગુસ્સો કરે છે. ખમીરવંતી દિકરી ને સલામ…. Du-te-n țara ta măi, nesimțitule! તમારા દેશમાં જાઓ મૂર્ખ…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનની બાળકી દ્વારા રશિયન સૈનિક પર ગુસ્સો કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Malgorzata Koraszewska દ્વારા તેના યુટ્યુબ પર 07 નવેમ્બર, 2012 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં જે બાળકી દેખાઈ રહી છે એ ફિલીસ્તાની છે અને સૈનિક ઈઝરાયલનો છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વીડિયોમાં દેખાઈ રહેલી બાળકીનું નામ અહદ તમીમી છે. જેને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન દ્વારા “બહાદુરી” માટે સન્માનિત કરી હતી.
આ વીડિયોમાં તમે 0.27 મિનિટથી 0.39 મિનિટ સુધી પોસ્ટમાં વાયરલ થયેલા વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વાયરલ વીડિયોમાં દેખાતી બાળકીની સાથે અન્ય છોકરીઓ પણ સૈનિકો પર ગુસ્સો કરી રહી છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને DW News દ્વારા 29 જુલાઈ, 2018 ના રોજ તેના સત્તાવાર ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે 0.46 મિનિટે વાયરલ થઈ રહેલા વીડિયોના દ્રશ્યો જોઈ શકો છો.
ઉપરોક્ત પોસ્ટ સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના વર્ષ 2012માં બની હતી. પેલેસ્ટાઈનના રામલ્લાહ નામના શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ સમયે આ ઘટના બની હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અહદ તમીમી અને તેના સાથી સૈનિકોને મારી પણ રહ્યા છે. જેમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, અહદ તમીમીએ આ રીતે ઘણી વખત ઈઝરાયલી સૈનિકોને માર મારીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તે પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે રહે છે.
વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે, અહદ તમીમીની 2017 માં ઈઝરાયલના સૈનિકને થપ્પડ મારવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને આઠ મહિના જેલમાં વિતાવ્યા બાદ 2018 માં તેને છોડવામાં આવી હતી. તે હાલમાં 21 વર્ષની છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો નહીં પરંતુ વર્ષ 2012 માં એક ઈઝરાયલી સૈનિક પર ગુસ્સો કરી રહેલી ફિલીસ્તાની બાળકીનો છે. આ વીડિયોને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સૈનિક પર ગુસ્સો કરી રહેલી બાળકીના વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
