તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીના સમાચારો ખૂબ જ ચર્ચામાં છે. ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીનો વિરોધ પક્ષ દ્વારા ઠેર-ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર ગરબા રમવા પર લગાવવામાં આવેલા જીએસટીને લગતી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા ગરબા રમવા પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગરબા રમવા પર સરકાર દ્વારા જે 18 ટકા જીએસટી લગાવવાની માહિતી આપવામાં આવી છે એ ફક્ત કોમર્શિયલ ગરબા પર છે કે જ્યાં લોકો પાસેથી એક દિવસના પાસના 499 રુપિયાથી વધુ વસુલવામાં આવે છે. શેરી ગરબા કે પાસ વિનાના ગરબા પર સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો જીએસટી લગાવવામાં નથી આવ્યો. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Vatiya નામના ફેસબુક યુઝર દ્વારા 02 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા ગરબા રમવા પર 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ઝી ન્યૂઝ દ્વારા 2 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજ્ય સરકારે ગરબાના પાસ પર 18 ટકા GST નાંખ્યો છે. જો ગરબાના ડેઈલી પાસ 499 રૂપિયાથી વધારાનો હશે તો GST લાગશે.

આજ માહિતી સાથેના અન્ય સમાચર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. iamgujarat.com | divyabhaskar.co.in

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે જીએસટીના એક અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ નામ ન આપવાની શરતે અમને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગરબા પર જા 18 ટકા જીએસટી લગાવવામાં આવ્યો છે એ ફક્તને ફક્ત જે લોકો બિઝનેશના હેતુથી ગરબાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે જ છે. જેમાં પણ જેના પાસની કિંમત દિવસના 499 થી વધુ હોય તેના પર જ જીએસટી લાગશે બાકી કોઈ જીએસટી લાગશે નહીં.

ત્યાર બાદ અમે ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, જે લોકો કોમર્શિયલ હેતુથી ગરબાનું આયોજન કરી રહ્યા છે તેના પર જ સરકારે 18 ટકા જીએસટી લગાવ્યો છે. જ્યારે તેમાં પણ ગરબાના જે પાસની દિવસની કિંમત 499 થી વધુ હોય તેના પર જ જીએસટી લાગશે તેનાથી ઓછી રકમના પાસ પર કોઈ જીએસટી લાગશે નહીં.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગરબા રમવા પર સરકાર દ્વારા જે 18 ટકા જીએસટી લગાવવાની માહિતી આપવામાં આવી છે એ ફક્ત કોમર્શિયલ ગરબા પર છે કે જ્યાં લોકો પાસેથી એક દિવસના પાસના 499 રુપિયાથી વધુ વસુલવામાં આવે છે. શેરી ગરબા કે પાસ વિનાના ગરબા પર સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો જીએસટી લગાવવામાં નથી આવ્યો.

Avatar

Title:ગુજરાત સરકારે ગરબા રમવા પર લગાવ્યો 18 ટકા GST...! જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context