
Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ये देख लो CAA ओर NRC के समर्थन में हिन्दू शेरों की रेली नही रेला है रामलीला मैदान में. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રામલીલા મેદાન ખાતે CAA અને NRC ના સમર્થનમાં એકઠી થયેલી ભીડનો છે. આ પોસ્ટને 1600 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 317 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 4800 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો રામલીલા મેદાન ખાતે CAA અને NRC ના સમર્થનમાં એકઠી થયેલી ભીડનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને InVID ટુલ્સની મદદથી સર્ચ કરતાં અમને આ વીડિયો 5 મહિના પહેલા Sharechat પર @gkumar29 નામના યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લોકોએ ‘જય શ્રી રામ’ ના નામની ટોપીઓ પહેરી હતી તેમજ લોકોના હાથમાં ભગવા ધ્વજ પણ હતા જેમાં પણ જય શ્રી રામ લખેલું હતું. વધુમાં લોકો પણ જય શ્રી રામના નારા લગાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં લોકો એ પણ બોલી રહ્યા છે કે, ‘રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાએંગે’. આ તમામ પુરાવા પરથી એ સાબિત થાય છે કે, આ વીડિયો રામ મંદિર માટે યોજાયેલી સભાનો છે. ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને chitralekha.com દ્વારા 10 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા ભગવા ધ્વજ તેમજ જય શ્રી રામ લખાણ સાથેની ટોપીઓ સાથે લોકો નજરે પડી રહ્યા છે. રામલીલા મેદાન ખાતે રામ મંદિર માટે યોજાયેલી સંકલ્પ યાત્રા અને ધર્મસભા સમયે આ પ્રકારે લોકો ઉમટી પડ્યા હતા. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

રામલીલા મેદાન ખાતે યોજાયેલી ધર્મસભાના આ સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. economictimes.indiatimes.com | Archive | news18.com | Archive
અમારી વધુ તપાસમાં અમને ABP NEWS દ્વારા 8 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ રામ મંદિરના નિર્માણ માટે રામલીલા મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને RSS દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ આ વીડિયોમાં પણ તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં લગાવવામાં આવતા જય શ્રી રામના નારા અને ભગવા ધ્વજ તેમજ જય શ્રી રામના નામની ટોપી પહેરેલા માણસો જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવોલો વીડિયો તાજેતરમાં લોકો દ્વારા રામલીલા મેદાનમાં CAA અને NRC ના સમર્થનનો નહીં પરંતુ 8 ડિસેમ્બર, 2018 ના રોજ રામલીલા મેદાન ખાતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે યોજાયેલી ધર્મસભાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લોકો દ્વારા રામલીલા મેદાનમાં CAA અને NRC ના સમર્થનનો નહીં પરંતુ 8 ડિસેમ્બર, 2018 ના રોજ રામલીલા મેદાન ખાતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે યોજાયેલી ધર્મસભાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો CAA અને NRC ના સમર્થનમાં રામલીલા મેદાન ખાતે એકઠી થયેલી ભીડનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
