વર્ષ 2018 માં બેંગ્લોર ખાતે શરૂ થયેલા એક સ્ટાર્ટ-અપના ફોટો ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો બેંગ્લોર ખાતે ખેડૂતો દ્વારા સંગઠિત થઈને શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો વર્ષ 2018 માં શરૂ કરવામાં આવેલા એક સ્ટાર્ટ-અપના છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jagdish Borad નામના ફેસબુક યુઝર દ્વારા 16 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બૈંગલોર ના ખેડૂતોએ પોતે સંગઠિત થય આર્થિક ખર્ચ કરી સૂપર માર્કેટ બનાવૂ જોરદાર મગજ વાપરો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો બેંગ્લોર ખાતે ખેડૂતો દ્વારા સંગઠિત થઈને શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં બીજા ફોટોમાં લાગેલું એક બોર્ડ જોઈ શકાય છે જેના પર અંગ્રેજીમાં HUMUS લખેલું દેખાય રહ્યું છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અમને www.humus.co.in પર પ્રાપ્ત થયા હતા.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે હ્યુમસ કંપનાની સ્થાપક મંજુનાથ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હ્યુમસ એ અમારા દ્વારા શરૂ કરાયેલ એક સ્ટાર્ટ-અપ છે. મેં મારી પત્ની શિલ્પા સાથે મળીને તેની શરૂઆત વર્ષ 2018 માં કરી હતી. અમારો ઉદ્દેશ એ હતો કે, અમારે ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે કંઈક કરવું જોઈએ. આ માટે અમે ઘણા રાજ્યોમાં ખેડૂતોને મળ્યા અને તેમની સમસ્યાઓ સમજી અને અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે, ખેડૂતોને તેમની ખેતપેદાશ માટે યોગ્ય ભાવ મળતા નથી અને ન તો ગ્રાહકોને વાજબી ભાવે કૃષિ પેદાશો મળતી જેનું મુખ્ય કારણ વચેટિયાઓ છે. તેથી જ અમે વચેટિયાઓને દૂર કરવા અને કૃષિ ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી લઈ જવા આ સાહસની શરૂઆત કરી છે. અમે ખેતીને ખેડૂતો માટે નફાકારક ઉદ્યોગ બનાવવા માંગીએ છીએ જેથી ખેડૂતોની અવનારી પેઢીઓ ખેતી છોડીને નોકરી-ધંધા માટેની અન્ય તકોની શોધમાં ન ભટકે. ખેડૂત કંઈ ઉગાડશે નહીં તો આપણે શું ખાઈશું?...”
વધુમાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “અત્યારે આ સાહસ ખાનગી છે પણ ભવિષ્યમાં અમે તેને ગુજરાતના અમૂલ જેવું બનાવવા માંગીએ છીએ. જેથી ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થાય.”
વધુમાં મંજુનાથ ટીએન દ્વારા તેમના આ સ્ટાર્ટ-અપના કેટલાક ફોટો અમને મોકલવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેઓએ અમને બેંગ્લોર ખાતે તેમનું સ્ટાર્ટ-અપ જ્યાં શરૂ કરવામાં આવ્યું હતું તેની ગુગલ મેપની લિંક પણ અમને મોકલી હતી. જ્યાં તમે તેમનું સરનામું અને અન્ય ફોટો પણ જોઈ શકો છો. વધુમાં તેઓનું એક ફેસબુક પેજ પણ છે જે તમે અહીં જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો બેંગ્લોર ખાતે વર્ષ 2018 માં શરૂ કરવામાં આવેલા એક સ્ટાર્ટ-અપના છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
Title:વર્ષ 2018 માં બેંગ્લોર ખાતે શરૂ થયેલા એક સ્ટાર્ટ-અપના ફોટો ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા સુપર માર્કેટના નામે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False