શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા એક પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવે છે. આ ઉશકેરાયેલી ભીડ દ્વારા પોલીસ પર હેલ્મેટ તેમજ લાતો મારી હુમલો કરવામાં આવી રહ્યો છે.આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલી કરી રહ્યા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો દ્વારા પોલીસ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તેઓને એમ હતુ કે, અકસ્માતમાં યુવાનનું મોત પોલીસના કારણે થયુ છે. માસ્કના દંડથી કંટાળી હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Junedg Qureshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકના મૈસુરમાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો કારણ કે તે માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલી કરી રહ્યા હતા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર સાહિલઓનલાઈન ટીવી ન્યુઝ નામની ચેનલ પર આ ઘટનાનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “મૈસુરમાં એન્જીનિયરની રોડ અકસ્માતમાં મોત બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્રાફિક પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ વેનને પણ નુકશાન પહોંચાડ્યુ હતુ.”
તેમજ ઈન્ડિયન મિડિયા બુક નામની યુટ્યુબ ન્યુઝ ચેનલ દ્વારા આ ઘટના અંગે વિસ્તૃત અહેવાલ તેમની ચેનલમાં પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મૈસુરના આરએપી સર્કલ પાસે પોલીસ વાહનોનુ ચેકિંગ કરી રહી હતી, દરમિયાન ગાડીને ફેરવવા સુરેશ અને દેવરાજ નામના બાઈક ચાલક પાછળથી આવતી ટ્રક સાથે અથડાયા હતા. જે ઘટનામાં દેવરાજનુ મૃત્યુ થયુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી દેવરાજના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો તેમજ સુરેશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ ઘટનાના થોડા જ સમયમાં લોકો એકઠા થઈ ગયા હતા અને તે લોકોનું માનવુ હતુ કે, આ દુર્ધટનાનું મુખ્યકારણ પોલીસ દ્વારા કરવામાં આવતુ વાહનોનું ચેકિંગ છે. લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરતા પોલીસ વાહનોને તોડી અને બેરિકેટ તોડી તેમજ પોલીસ પર હુમલો કરી વ્યક્ત કરી હતી. જોકે બાદમાં વધુ પોલીસ બોલવવામાં આવી હતી અને લોકોને દૂર કરવા લાઠી ચાર્જ પણ કરાયો હતો.”
તેમજ આ ઘટનામાં ઘાયલ સુરેશ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “આ ઘટનામાં પોલીસનો કોઈ વાંક નથી તેમની પાસે જરૂરી તમામ દસ્તાવેજ હતા, તેમજ તેમણએ અને દેવરાજ બંન્ને દ્વારા હેલ્મેટ પહેરવામાં આવ્યુ હતુ. આ દુર્ધટના ત્યાં રસ્તામાં પડેલી માટીના કારણે સર્જાય હતી. અને તેમની બાઈક સ્લીપ થઈ અને ટ્રક સાથે અથડાઈ હતી.”
ધન્યુઝમિનિટ દ્વારા આ ઘટના અંગે પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે મૈસુર સિટિ પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “આ ઘટનામાં ઘાયલ ત્રણ પોલીસ કર્મચારી દ્વારા ત્રણ અલગ-અલગ ફરિયાદ ટોળા સામે નોધવવામાં આવી છે. તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે.”
Asianetnews દ્વારા પ્રસારિત અહેવાલમાં મૈસુર ટ્રાફિક ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે કે, આ ઘટનામાં શું ખરેખર પોલીસ અધિકારીના કારણે અકસ્માત થયો છે.? તેમજ પોલીસ દ્વારા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”
તેમજ આ ઘટનાનો પ્રતિ ઉત્તર આપતા પોલીસે જણાવ્યુ હતુ કે, “બાઇક સાથે ટ્રકની ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો અને આ દુર્ઘટનામાં તેમની કોઈ ભૂલ નથી. બાઇક અકસ્માતમાં ઇજાગ્રસ્ત સુરેશે જણાવ્યું હતું કે, તેઓ પોલીસથી લગભગ 250 મીટર દૂર હતા ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી હતી અને પડી ગયા પછી શું થયુ તેની તેમને ખબર નથી.”
ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે મૈસુરના જિલ્લા પોલીસ વડા સી.બી.રિશયંથનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ તદ્દન ખોટી માહિતી છે. લોકો દ્વારા હુમલો એટલા માટે કરવામાં આવ્યો હતો કે, તેમને એવું લાગ્યુ કે, આ અકસ્માતમાં યુવાનનું મોત પોલીસના કારણ થયુ હતુ. પરંતુ તે વાત તદ્દન ખોટી છે. અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો દ્વારા પોલીસ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કે તેઓને એમ હતુ કે, અકસ્માતમાં યુવાનનું મોત પોલીસના કારણે થયુ છે. માસ્કના દંડથી કંટાળી હુમલો કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:શું ખરેખર માસ્કનો દંડ વસૂલવા બદલ પોલીસને મારમારવામાં આવ્યો...?
Fact Check By: Yogesh KariaResult: False