
ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG)ના ચેમ્પિયન્સ લીગ વિજય બાદ પેરિસમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનાના સંદર્ભમાં હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસ સ્ટોપ પર વાહનો સળગાવવા અને તોડફોડના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે.
આ ચોક્કસ ઘટના સાથે જોડાયેલ 37 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે આ ક્લિપના પહેલા 18 સેકન્ડમાં રસ્તા પર અનેક પલટી ગયેલા વાહનો દેખાય છે, જેમાંથી કેટલાક દેખીતી રીતે આગમાં લપેટાયેલા છે. વીડિયોના છેલ્લા ભાગમાં એક ટોળું બસ કે ટ્રામ સ્ટેશનમાં તોડફોડ કરતું દર્શાવવામાં આવ્યું છે.
આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં પેરિસમાં હિંસા દરમિયાન થયેલી હિંસા દરમયાનના દ્રશ્યો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને 24 ડિસેમ્બર 2022ના રોજ બ્રુટ પત્રકાર રેમી બુઇસીનના X એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલો આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પેરિસના મધ્યમાં અંધાધૂંધી, વાહનો પલટી ગયા અને આગ ચાંપી દેવામાં આવી. અથડામણ ચાલુ છે.”
વધુમાં, અમને 25 ડિસેમ્બર 2022ના રોજ બ્રુટના પોતાના ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરાયેલો બીજો એક વીડિયો પણ મળ્યો, જેમાં વાયરલ વીડિયો સાથે સંબંધિત દ્રશ્યો હતા અને તેનો રિપોર્ટ રેમી બુઇસીને પોતે કર્યો હતો. સાથેના કેપ્શનમાં તેને પેરિસમાં કુર્દિશ કલ્ચરલ સેન્ટરની સામે થયેલા હુમલા પછી હિંસા ફાટી નીકળવાનું દર્શાવતું વર્ણન કરવામાં આવ્યું છે.
ત્યારબાદ, અમે પછીના દ્રશ્યોની તપાસ કરી, જેમાં એક ભીડ બસ અથવા ટ્રામ સ્ટેશનમાં તોડફોડ કરતી જોવા મળે છે. રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે આ વીડિયો 25 ડિસેમ્બર, 2022 ના રોજ ફેસબુક એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. સાથેના કેપ્શનમાં તે પેરિસનો હોવાનું ઓળખાયું.
અમારી તપાસ દરમિયાન, અમને 24 ડિસેમ્બર, 2022ના રોજ યુરોપિયન મીડિયા આઉટલેટની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં વાયરલ વીડિયો સાથે જોડાયેલા દ્રશ્યો ધરાવતી એક છબી પણ મળી. આ અહેવાલમાં 23 ડિસેમ્બર, 2022 ના રોજ કુર્દિશ કલ્ચરલ સેન્ટર પર થયેલા હુમલા બાદ પેરિસમાં ફાટી નીકળેલી હિંસાને આવરી લેવામાં આવી હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો તાજેતરનો નથી, આ વીડિયો લગભગ ત્રણ વર્ષ પહેલાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં કુર્દિશ કલ્ચરલ સેન્ટરમાં ગોળીબાર બાદ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોનો છે.


