
Gujju king નામના ફેસબુક પેજ દ્વારા 8 જુલાઈ, 2019ના રોજ કરવામાં આવલી પોસ્ટમાં એક આર્ટિકલ શેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વિધવા સહાય યોજના, વિધવા બહેનો ને દર મહિને રૂ. 3000 ની સહાય મળવા પાત્ર છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 492 લોકોએ લાઈક કરી હતી. 13 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 1000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયા સહાય સરકાર તરફથી મળવાપાત્ર છે. એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર પર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ મોબાઈલ નંબર સદંતર સ્વિચ ઓફ જ આવતો હોવાથી અમે અમારી તપાસ આગળ વધારી હતી. ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈ વિધવા સહાય યોજના 2019 સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે વર્ષ 2019માં નવા સુધારા મુજબ વિધવા મહિલાને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ દર મહિને 3000 રૂપિયા મળવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. સરકાર તરફથી વિધવા મહિલાઓને 1250 રૂપિયા મળવાપાત્ર છે એ માહિતી દર્શાવતો વીડિયો 28 એપ્રિલ, 2019 ના રોજ MARU GUJARAT JOBS દ્વારા યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઈટની મુલાકાત લીધી હતી પરંતુ ત્યાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Archive
અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ દ્વારા 8 માર્ચ, 2019 ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 6 નંબરના મુદ્દાની માહિતીમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. જે આ પહેલા 1000 રૂપિયા હતી તો તેમાં વધારો કરતો આ પરિપત્ર તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પોસ્ટમાં દર્શાવેલી માહિતી અંગે મહેસાણા ખાતે સમાજ સુરક્ષા ખાતની ઓફિસ તેમજ કલેક્ટર ઓફીસની હિસાબી શાખામાં ફરજ પરના અધિકારી સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા નિરાધાર વિધવા સહાય યોજના અંતર્ગત હાલમાં નિરાધાર વિધવા મહિલાઓને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. પરંતુ દર મહિને 3000 રૂપિયાની સહાય મળે એવી કોઈ જોગવાઈ કે યોજના હાલમાં સરકાર દ્વારા ઉપલબ્ધ હોય એવું અમારા ધ્યનમાં નથી.”
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવા મુજબ વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયા સરકાર તરફથી મળવાની માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સરકાર તરફથી હાલમાં નિરાધાર વિધવા મહિલા સહાય યોજના અંતર્ગત નિરાધાર વિધવા મહિલાઓને સરકાર તરફથી દર મહિને 1250 રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ દર મહિને 3000 રૂપિયા મળવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title: શું ખરેખર સરકાર તરફથી વિધવા મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
