ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ...જાણો શું છે સત્ય....
ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે.
જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર નથી – અમિત શાહ” આ પોસ્ટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને લોકોમાં ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mukesh S Payan Sakhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાત અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ તો કોઈ રાજકારણી દ્વારા આ પ્રકારે કોઈ પણ જ્ઞાતિને લઈ નિવેદન આપવામાં આવ્યુ હોવાનું માન્યામાં આવે નહિં તો પણ અમે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ. પરંતુ આ પ્રકારનું કોઈ નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યુ હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ.
તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટના શબ્દો પણ શંકા ઉપજાવે તેવા હતા. તેથી અમે એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના ચેનલ હેડ રોનક પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લગભગ 2 વર્ષ પહેલાં આ જ રીતે અમારી ચેનલના લોગોનો દૂરપયોગ કરીને આ માહિતી સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી હતી. જેની અમને જાણ થતાં અમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. 12 નવેમ્બર 2017ના આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના FIR નંબર 3207 છે. હાલમાં અમારી ચેનલના લોગો સાથે જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. અમારા દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી રજૂ કરવામાં નથી આવી.”
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના ઓરિજનલ ફોન્ટ અને પોસ્ટ સાથે વાયરલ ન્યુઝ પ્લેટના ફોન્ટની સરખામણી કરી હતી. જેના પરથી સ્પષ્ટ છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ન્યુઝ પ્લેટમાં એડિટ કરવામાં આવ્યુ છે.
તેમજ આ પહેલા પણ એબીપી અસ્મિતાની ફેક ન્યુઝ પ્લેટ અલગ-અલગ રાજનેતાના નામે વાયરલ થઈ હતી. જેની પણ પડતાલ ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચેની લિંક પર ક્લિક કરી વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. એબીપી અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં એડિટ કરી અને લોકોમાં ભ્રામકતા ફેલાવવામાં આવી રહી છે.
Title:ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ...
Fact Check By: Yogesh KariaResult: False