શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાઢીવાળા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ તાલિબાનોનો લીડર નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદનો એક વિદ્વાન વ્યક્તિ ખાલિદ મહેમુદ અબ્બાસી છે જેણે આ નિવેદન વર્ષ 2019 માં આપ્યું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kirit Dudhat નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *તાલીબાનો એ પણ સ્વિકાર્યું છે કે આર એસ એસ અને બી જે પી ખુબ જ તાકાતવર છે તે જુઓ તાલીબાનો નાં લીડર ના મુખે થી...*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ બોલી રહ્યો છે એ તાલિબાનનો લીડર છે અને તે ભાજપ અને આરએસએસ તાકાતવાર હોવાનું જણાવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને NWAA નામની યુટ્યુબ ચેનલ પર 06 ઓગષ્ટ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઈન્તેહા પસંદ હિન્દુઓ કા અસલ એજન્ડા ક્યા હૈ? ખાલિદ મહેમુદ અબ્બાસી NWAA સ્ટુડિયો. વધુમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે, આ વીડિયો 1 માર્ચ, 2019 ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયો 17 મિનિટ લાંબો છે. જેમાં તમે 0.50 મિનિટથી 1.20 મિનિટના સમયગાળમાં ખાલિદ મહેમુદ અબ્બાસીને ભાજપ અને આરએસએસ વિશે બોલતા સાંભળી શકો છો.
અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ખાલિદ મહેમુદ અબ્બાસીનું સત્તાવાર ફેસબુક પેજ પ્રાપ્ત થયું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તેઓ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં રહેતા એક ઈસ્લામિક વિદ્વાન છે. "શુબન ઉલ મુસ્લિમ" (રાજકીય ઇસ્લામના પુનરુત્થાન માટેનું આંદોલન) ની સ્થાપનામાં તેમનો મહત્વનો ફાળો હતો. હાલમાં તેઓ "શુબન ઉલ મુસ્લિમ" માટે શૂરાના વડા તરીકે કામ કરી રહ્યા છે. વધુમાં, તેમના દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, તેમણે તેમના જીવનના 30 વર્ષ તન્ઝીમ-એ-ઇસ્લામી નામની સંસ્થાને આપ્યા છે.
તેમના ફેસબુક પેજ પર તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલની લિંકનો પણ ઉલ્લેખ છે. આ યુટ્યુબ ચેનલ તપાસ્યા પછી, અમને વાયરલ થતો વીડિયો પણ મળ્યો જે તેમણે 3 ઓગસ્ટ, 2021 ના રોજ અપલોડ કર્યો હતો. માર્ચ 2019 ની રેકોર્ડિંગ તારીખ પણ આ વીડિયોની ઉપર આપવામાં આવી છે. આ વીડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે : ‘ભારતમાં ખરાબ પરિસ્થિતિ’.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ ખાલિદ મહેમુદ અબ્બાસીનો સંપર્ક કરતાં તેઓએ એ વાતની પુષ્ટી કરી હતી કે, “તેમણે 2019 માં વાયરલ થઈ રહેલો વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેનો અફઘાનિસ્તાન અથવા તાલિબાન સાથે કોઈ સંબંધ નથી. વળી તેમણે અમને કહ્યું કે, તે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રહેતા એક વિદ્વાન છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ તાલિબાનોનો લીડર નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદનો એક વિદ્વાન વ્યક્તિ ખાલિદ મહેમુદ અબ્બાસી છે જેણે આ નિવેદન વર્ષ 2019 માં આપ્યું હતું.
Title:શું ખરેખર તાલિબાનોના લીડર દ્વારા ભાજપ અને આરએસએસને તાકાતવાર ગણાવવામાં આવ્યા તેનો આ વીડિયો છે...?
Fact Check By: Vikas VyasResult: False