મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાની ખોટી માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાથી તેમની બેંગ્લોર ખાતે સારવાર ચાલી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને સંદીપ મહેશ્વરી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kaushik Patel નામના ફેસબુક યુઝર દ્વારા 25 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાથી તેમની બેંગ્લોર ખાતે સારવાર ચાલી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ધ્યાનતી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ માહિતી દૈનિક ભાસ્કર દ્વારા નહીં પરંતુ દૈનિક ખાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. દૈનિક ખાસ્કર એ કોઈ વિશ્વાસનીય સમાચાર પ્રસારિત કરતું હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી.
વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ટ્વિટર દ્વારા દૈનિક ખાસ્કર નામના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને संदीप महेश्वरी हुए डिप्रेशन के शिकार કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે સંદીપ મહેશ્વરીના ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
આ સમગ્ર તપાસના અંતે અમને સંદીપ મહેશ્વરી દ્વારા તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 26 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેઓ ડિપ્રેશનમાં હોવાથી તેમની બેંગ્લોર ખાતે સારવાર ચાલી રહી છે એ માહિતીને ખોટી ગણાવી રહ્યા છે અને લોકોને ખોટી માહિતી ન ફેલાવવા માટે વિનંતી કરી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીનું મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી દ્વારા જ ખંડન કરવામાં આવ્યું છે.
Title:મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી ડિપ્રેશનનો ભોગ બન્યા હોવાની ખોટી માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False