રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2017 માં રાજસ્થાનના સીકર જિલ્લામાં કિસાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vikram Arjanpura નામના ફેસબુક યુઝર દ્વારા 28 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સલામ છે પંજાબ,હરીયાણાના ખેડુતોને બાકિ અહિયા અમુક નમાલાઓને ખેડુત હીતની પોસ્ટમાં લાઇક કરતા પણ ડર લાગે છે આઇ સપોર્ટ કિશાન આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને વિકિપીડિયા પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “કિસાન લોન માફી, લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ માટે ઓલ ઈન્ડિયા કિસાન સભા (એ.આઇ.કે.એસ.) ની આગેવાની હેઠળ રાજસ્થાનમાં 1 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક મોટું ખેડૂત આંદોલન શરૂ થયું હતું. કિસાન સભાના પ્રમુખ અમરા રામ, પૂર્વ ધારાસભ્ય પેમારામ, હેતરામ બેનવાલ, પવન દુગ્ગલ, મંગલ સીમગ યાદવ, ભાગીરથ નેતર, સાગરમલ ખાચરીયા અને અન્ય લોકો આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. સીકર આંદોલનનું કેન્દ્ર હોવાથી આ આંદોલનને "સીકર કિસાન આંદોલન" તરીકે ઓળખવામાં આવે છે. સીકર બજારમાં હજારો ખેડૂતો એકઠા થયા હતા.”
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ધ લોજીકલ ઈન્ડિયન દ્વારા પણ આજ ફોટોને ઉપરોક્ત માહિતી સાથે પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ધ વાયર | ન્યૂઝ ક્લિક
અમારી વધુ તપાસમાં અમને 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા CPI(M) દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ ફોટોને રાજસ્થાનનો હોવાનું જણાવવામાં આવ્યું છે. સીપીઆઈ (એમ) ના તે સમયના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ પણ આ ફોટો રાજસ્થાનમાં ખેડૂતોના પ્રદર્શનનો હોવાની માહિતી સાથે ટ્વિટ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2017 માં રાજસ્થાનના સીકર જિલ્લામાં કિસાનો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
Title:રાજસ્થાનમાં વર્ષ 2017 માં થયેલા કિસાન આંદોલનનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False