શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

Jiten Patel‎  નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ Sara suvichar નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આપણાં સત્સંગી હરિભક્ત ડૉ. મેઘા વ્યાસ (પૂણે) કોરોના દર્દી ની સારવાર કરતાં તેઓ પણ કોરોના થી સંક્રમિત થતાં તેઓનું મૃત્યુ થયું હતું ડૉ. મેઘા વ્યાસ ને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી 🙏🙏 25.04.2020 📿 🇦🇹. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું છે. આ પોસ્ટને 762 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 351 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.04.27-19_37_41.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને સોશિયલ મીડિયા દ્વારા મેઘા વ્યાસના પરિવારજનોની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેના પરિવારજનો સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરતાં તેઓએ ફેક્ટ ક્રેસેન્ડોની ટીમને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મેઘાના મોતને લઈને કોરોના વાયરસ સંબંધી જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. મેઘાનું અવસાન કોરોના વાયરસને કારણે નથી થયું. બીજી વાત તેઓએ પણ જણાવી કે તે પોતે ડોક્ટર પણ નથી. નીચે તમે અમને મેઘાના પરિવારજનોની માહિતી ક્યાંથી મળી એ પોસ્ટ જોઈ શકો છો.

Facebook Post | Archive

અમારી વધુ તપાસમાં ફેક્ટ ક્રેસેન્ડો દ્વારા મેઘાના પતિ ડો.શ્રીકાંત શર્માનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, મેઘાનું 22 એપ્રિલ, 2020 ના રોજ અવસાન થયું છે. તેની પૂનાની જહાંગીર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.”

વધુમાં તેઓએ અમને મેઘાની સારવાર કરતા ડોક્ટર દ્વારા જહાંગીર હોસ્પિટલનો એક લેખિત પત્ર મોકલ્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના દર્દી મેઘાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો ન હતો અને મેઘાના મોતનું કારણ તીવ્ર ન્યુમોનિયા હોવાનું પણ એ પત્રમાં જણાવવામાં આવ્યું છે જે તમે નીચે જોઈ શકો છો.

image4.png


જ્યારે ડો. શ્રીકાંત શર્મા (મેઘાનો પતિ) ને  સોશિયલ મીડિયા પર મેઘાને લગતા વાયરલ દાવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “હું પુણેમાં ડોક્ટર છું. મારી પત્ની ગૃહિણી હતી. સોશિયલ મીડિયા પર તેના મૃત્યુ અંગે અનેક ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અમારા પરિવારને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. શર્મા પરિવારે સોશિયલ યુઝર્સને અપીલ કરી છે કે તેઓ મેઘા વિશે ખોટી પોસ્ટ કે માહિતી ન ફેલાવે.”

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં ફોટોમાં દેખાતી મહિલાનું નામ મેઘા શર્મા છે તે પોતે ડોક્ટર નહીં પણ એક ગૃહિણી હતી. તેમજ તેનું અવસાન કોરોના વાયરસને કારણે નથી થયું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં ફોટોમાં દેખાતી મહિલાનું નામ મેઘા શર્મા છે તે પોતે ડોક્ટર નહીં પણ એક ગૃહિણી હતી. તેમજ તેનું અવસાન કોરોના વાયરસને કારણે થયું હોવાની માહિતી પણ તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર કોરોના વાયરસને કારણે પૂણેની ડોક્ટર મેઘા વ્યાસનું અવસાન થયું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False