વર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો...જાણો શું છે સત્ય...
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “હરિયાણા થી રૂઝાન આવવાનું શરૂ. સૈની નું મોઢું કાળું કરી જુતો થી કરાયું સ્વાગત...” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 118 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હરિયાણામાં ભાજપાના સાંસદ સૈનીનું ખેડૂતો દ્વારા મો કાળુ કરી અને મારમારવામાં આવ્યો.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો અમને યુટ્યુબ પર તારીખ 6 નવેમ્બર 2016 અપલોડ કરેલો જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ વિડિયોના શિર્ષક અનુસાર, કુરૂક્ષેત્ર હરિયાણાના સાંસદ રાજકુમાર સૈની પર જાટ સમુદાયના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો વિડિયો છે.
રાજકુમાર સૈની હાલ ભાજપામાં નથી. રાજકુમાર સૈની એક એવા નેતા હતા. જેમણે જાટ આરક્ષણનો વિરોધ કર્યો હતો. 2018માં સૈનીએ ગ્લોબલ સિક્યોરિટી પાર્ટી નામની એક રાજનૈતિક પાર્ટી શરૂ કરી હતી. પરંતુ તે ગોહાના વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર જગબીરસિંહ માલિક સામે વર્ષ 2019ની હરિયાણાની ચૂંટણી હારી ગયા હતા.
જ્યારે અમે વિડિયોમાં જોવા મળતી ઘટના અંગે વધુ તપાસ કરતા અમને પંજાબ કેસરી દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પંજાબ કેસરીના સમાચાર અનુસાર ઓક્ટોબર 2016માં જ્યારે રાજકુમાર સૈની એક સાર્વજનિક સમારોહથી પરત આવી રહ્યા હતા. ત્યાકે ચાર-પાંચ યુવાનોએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમની એક સેલ્ફી લેવાની માંગ કરી હતી. જે ઘટનાનો રિપોર્ટ ઈન્ડિયા ટુડે અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોને હાલના કૃષિ બીલ સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયો 4 વર્ષ જુનો છે. હાલની પરિસ્થિતી સાથે તેનો કોઈ સંબંધ નથી.
Title:વર્ષ 2016ના જુના વિડિયોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો...જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False