શું ખરેખર ઉજ્જૈનના કલેક્ટરે મુસ્લિમો વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશના એક નેતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોરના કલેક્ટર દ્વારા મુસ્લિમો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઈન્દોરના કલેક્ટર નહીં પણ મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા છે. આ નિવેદન તેઓએ વર્ષ 2021 માં આપ્યું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સાંભળને મારી વાતો નામના ફેસબુક પેજ દ્વારા 5 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉજ્જૈન કલેકટર… જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉજ્જૈનના કલેક્ટર દ્વારા મુસ્લિમો વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઈટીવી ભારત દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 23 ઓગષ્ટ, 2021 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને ચેતવણી આપવામાં આવી તેનો આ વીડિયો છે.
વાસ્તવમાં, ઉજ્જૈનમાં મોહરમ દરમિયાન કેટલાક લોકો દ્વારા લગાવવામાં આવેલા રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચારના મુદ્દા પર પ્રતિક્રિયા આપતા રામેશ્વર શર્માએ મીડિયાને કહ્યું હતું કે, જો તમે તમારી માતાનું દૂધ પીધું છે, તો થોડા દિવસો તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં રહો. આ દેશ બાબાસાહેબે બનાવેલા બંધારણથી ચાલશે. જે કોઈ ભારત વિરોધી નારા લગાવશે તેને કચડી નાખવામાં આવશે. જેમને તાલિબાન ગમે છે તેમણે તાલિબાનીઓ પાસે જવું જોઈએ.
વધુ તપાસમાં, અમને મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ મળ્યું, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ રામેશ્વર શર્મા છે. એકાઉન્ટ પરની માહિતીમાં સ્પષ્ટ લખેલું છે કે, તે મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના હુઝુરથી ભાજપના ધારાસભ્ય છે.
બીજી તરફ, કુમાર પુરુષોત્તમ મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના વર્તમાન કલેક્ટર છે.
ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા અને ઉજ્જૈનના કલેક્ટર કુમાર પુરુષોત્તમની તસવીરોની સરખામણી કરવા પર સ્પષ્ટ થાય છે કે, વીડિયોમાં મુસ્લિમો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનાર વ્યક્તિ ઉજ્જૈનના કલેક્ટર નથી પરંતુ ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા છે.
ઉજ્જૈનમાં તાલિબાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા...
વર્ષ 2021 માં ઉજ્જૈન ખાતે મોહરમના એક દિવસ પહેલા, જ્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારાનો મુદ્દો સામે આવ્યો ત્યારે શિવરાજ સરકાર કડક બની હતી. જ્યારે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, વીડિયોમાં તાલિબાન અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે, પોલીસે સ્પષ્ટપણે નકારી કાઢ્યું કે, તાલિબાન સંબંધિત કોઈ નારા લગાવવામાં આવ્યા ન હતા. આ સિવાય ત્યાં હાજર કેટલાક લોકોના કહેવા પ્રમાણે, પાકિસ્તાન ઝિંદાબાદ નહીં પરંતુ કાઝી સાહેબ ઝિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા હતા. જોકે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમો વિરુદ્ધ નિવેદન આપી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઉજ્જૈનના કલેક્ટર નહીં પણ મધ્યપ્રદેશના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્મા છે. આ નિવેદન તેઓએ વર્ષ 2021 માં આપ્યું હતું. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર ઉજ્જૈનના કલેક્ટરે મુસ્લિમો વિરુદ્ધ આપ્યું વિવાદિત નિવેદન...? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False