શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા...? જાણો શું છે સત્ય…
Meet Patel નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, *બંગાળ ની દીદી તો મોટાભાઇ ની પણ દાદી નીકળી...* *બંગાળ મા 4સાસંદ,1ધારાસભ્ય અને 16પાર્ષદ BJP માથી TMC મા જોડાયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 ધારાસભ્ય તેમજ 16 પાર્ષદ મળીને કુલ 21 નેતાઓ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMC માં જોડાયા. આ પોસ્ટને 135 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મત રજૂ કર્યો હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બંગાળમાં ભાજપના 4 સાંસદ, 1 ધારાસભ્ય તેમજ 16 પાર્ષદ મળીને કુલ 21 નેતાઓ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMC માં જોડાયા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને TIMES NOW દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 3 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એક વીડિયો સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, TMC ના સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભાજપના 4 સાંસદ અને 1 ધારાસભ્ય સહિત કુલ 21 નેતાઓ TMC માં જોડાયા. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, “કેટલીક સમાચાર ચેનલો દ્વારા ભાજપના સાંસદો TMC માં જોડાયા હોવાના ખોટા સમાચારો ચલાવી રહી છે. અમે આવા કોઈ પણ સમાચારની નિંદા કરીએ છીએ. તમામ સાંસદો ભાજપની સાથે છે અને મોદીજીના નેતૃત્વ હેઠળ કામ કરી રહ્યા છે.”
વધુમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા આજ દાવાનું ખંડન કરતા અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jagran.com | navbharattimes.indiatimes.com
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા હોવાની માહિતી તદ્દન ખોટી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા હોવાની માહિતી તદ્દન ખોટી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને ભાજપના બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર બંગાળમાં ભાજપના 21 નેતાઓ TMC માં જોડાયા...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False