શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કુમાર કાનાણીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસત્વમાં કુમાર કાનાણી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે એવું નિવેદન આપવામાં આવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rudra Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા 19 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આખરે કુમાર (કાકા)કાનાણી ગુજરાતના માનનીય આરોગ્ય મંત્રીએ સત્યનો સ્વીકાર કર્યો કે કોરોનામા ભાજપ સરકારની નાકામી અને અણ આવડત ને લીધે હજારોના મોત થયા.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીએ એવું કહ્યું કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસો અને લોકોના મોત માટે ગુજરાતની ભાજપ સરકારની અણઆવડત જવાબદાર છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કુમાર કાનાણી દ્વારા તેમના સત્તાવાર ફેસબુક પેજ પર 18 જુલાઈ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કુમાર કાનાણી 9.45 મિનિટ પછી એવું કહી રહ્યા છે કે, જે ગામમાં કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા હોય ત્યાં આપના નેતાઓ જાય છે ત્યાં જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના ફોટા લગાવ્યા હોય, તેમને ફૂલહાર ચડાવ્યા હોય, દીપ પ્રાગટ્યની વ્યવસ્થા કરેલી હોય. આપના નેતાઓ ત્યાં જાય પુષ્પાંજલિ કરે, ફૂલ અર્પણ કરે અને શ્રદ્ધાંજલિ આપે. ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરે અને દીપ પ્રાગટ્ય કરતાં કરતાં તાળીઓ પાડે જાણે કે કોઈ ઉદ્ઘાટન કરતા હોય. ત્યાર પછી ભાષણો શરુ થાય. ભાષણોની અંદર કહેવામાં આવે કે, 2022 માં તમે અમને સરકાર બનાવવા માટે મદદ કરો, અમને મત આપો. આ વખતે ભાજપની સરકાર બનાવવાની નથી અમારી સરકાર બનાવવાની છે કારણ કે, કોરોનામાં જે કોઈ મૃત્યું પામ્યા છે ગુજરાતના નાગરિકો એ તમામ ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારીને લીધે, તેની અણઆવડતને કારણે. એ વ્યવસ્થા ન કરી શક્યા એના કારણે. મૃત્યુ પામ્યા છે એ જે કોઈ મૃત્યુ થયા છે એની જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

Archive

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ભાજપના નેતા કિશોર કુમાર કાનાણીના વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીના નિવેદનનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભાજપના નેતા કુમાર કાનાણીના નિવેદનનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતા કુમાર કાનાણીએ ગુજરાતની ભાજપ સરકારના વિરોધમાં નિવેદન આપ્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False