
ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકોની ભીડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રાજકોટનો નહીં પરંતુ કોરિયા ખાતે યોજાયેલા હૈલોવિન ફેસ્ટિવલમાં ભગદોડને કારણે 156 લોકો મૃત્યુ પામ્યા હતા તેમને કેન્ડલથી શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયેલા લોકોનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Deven Saluja નામના ફેસબુક યુઝર દ્વારા 8 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, राजकोट‘ में स्थानीय लोग बड़ी संख्या में “आप” के रोड–शो में शामिल हुए। Arvind Kejriwal. જેનો ગુજરાતી મતલબ એવો થાય છે કે, રાજકોટ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના રોડ શોમાં સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ હતી તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ફોટોમાં એક ઈમારત દાખાઈ રહી છે તેના પર કોઈ અલગ જ ભાષામાં કંઈક લખેલું જોઈ શકાય છે. જોકે, અમને એ માલૂમ નહતું પડ્યું કે, એ શું લખેલું છે.

ત્યાર બાદ અમે આ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને scmp.com દ્વારા 05 નવેમ્બર, 2022 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સાઉથ કોરિયામાં યોજાયેલા હૈલોવિન ફેસ્ટિવલમાં ભાગદોડ થતાં 156 લોકોએ જીવ ગુમાવ્યો હતો તેના વિરોધમાં દક્ષિણ કોરિયાના લોકોએ કેન્ડલ માર્ચ કરી ત્યારે જે ભીડ ઉમટી હતી તેનો આ ફોટો છે.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bbc.com | abc.net.au
AFP દ્વારા પણ આજ માહિતી સાથેના એક વીડિયો સમાચાર 5 નવેમ્બર, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકોની ભીડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રાજકોટનો નહીં પરંતુ કોરિયા ખાતે યોજાયેલા હૈલોવિન ફેસ્ટિવલમાં ભગદોડને કારણે 156 લોકો મૃત્યુ પામ્યા હતા તેમને કેન્ડલથી શ્રદ્ધાંજલિ આપવા એકઠા થયેલા લોકોનો છે.

Title:રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
