શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Parmar Lalo નામના ફેસબુક યુઝર દ્વારા 30 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથે એવું લખવામાં આવ્યું છે કે, પાટણ સીટી પોઇન્ટ માંથી 2 આતંકવાદી પકડયા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને gujaratsamachar.com દ્વારા 30 જુલાઈ, 2021 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા દ્રશ્ય સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, 30 જુલાઈના રોજ પાટણ એસઓજીની ટીમ, બી ડીવીઝન પોલીસની ટીમ સહિત ડોગસ્ક્વોર્ડની ટીમ પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષ ખાતે આવી પહોંચી હતી. જને જોતાં જ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ થોડી જ વારમાં માલૂમ પડ્યું હતું કે, 15 મી ઓગસ્ટ નિમિત્તે જીલ્લા પોલીસવડાની સૂચના અનુસાર સીટી પોઈન્ટ કોમ્પલેક્ષ ખાતે આતંકવાદીઓને પકડવા માટેની એખ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માહિતી મળતાં જ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in
અમારી વધુ તપાસમાં અમને એક સ્થાનિક ગુજરાતી સમાચાર ચેનલ દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. અન્ય એક સ્થાનિક સમાચાર ચેનલ દ્વારા પણ આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પાટણ પોલીસના પોલીસ સબ ઈન્સ્પેક્ટર વિજય ચૌધરી સાથે સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ પાટણ પોલીસ દ્વારા દરેક વર્ષે નિયમિતરુપે કરવામાં આવતી મોકડ્રીલનો છે. આ મોકડ્રીલ 30 જુલાઈ, 2021 ના રોજ બપોરે પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષ ખાતે આયોજીત કરવામાં આવી હતી.”
અમારી તપાસને આગળ વધારી અમે પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષને ગુગલ મેપ પર શોધવાની કોશિશ કરી હતી. જેમાં અમને જે દ્રશ્યો પ્રાપ્ત થયા હતા એજ દુકાનોના નામ તમે વાયરલ વીડિયોમાં પણ જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા સીટી પોઈન્ટ કોમ્પલેક્ષ ખાતે 30 જુલાઈ, 2021 ના રોજ કરવામાં આવેલી મોકડ્રીલનો છે જેને હકીકત સાથે કોઈ જ સંબંધ નથી.
Title:શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા...?
Fact Check By: Vikas VyasResult: False