તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ચેનલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હવે કોઈ જ નવી સરકારી ભરતી બહાર પાડવામાં નહીં આવે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માહિતી ખોટી હોવાનું સરકાર દ્વારા જ જણાવવામાં આવ્યું છે. વધુમાં સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, સરકારે નવી ભરતીઓ પર પ્રતિબંધ નથી લગાવ્યો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rajesh Umaretiya નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા હવે કોઈ જ નવી સરકારી ભરતી બહાર પાડવામાં નહીં આવે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની માહિતીને નાણા મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર મેમોરેન્ડમમાં સર્ચ કરતાં અમને કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ 4 જાન્યુઆરી, 2020 ના રોજનો પરિપત્ર મળ્યો હતો. આ મેમોરેન્ડમમાં તમામ વિભાગો અને મંત્રાલયોને બિનજરૂરી ખર્ચ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ મેમોરેન્ડમમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે, હવે સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે નહીં. પરંતુ વિવાદનું વાસ્તવિક કારણ મેમોરેન્ડમ પરની બીજી માહિતી હતી. વાસ્તવમાં તેમાં લખવામાં આવ્યું હતું કે, “કોઈપણ સરકારી મંત્રાલય કે વિભાગમાં નાણા મંત્રાલયની મંજૂરી વિના કોઈ નવી પોસ્ટ બનાવવામાં આવશે નહીં. જો 1 જુલાઈ, 2020 પછી કોઈ પોસ્ટ બનાવવામાં આવી છે અને તેના માટે ખર્ચ વિભાગની મંજૂરી લેવામાં આવી નથી, તો તેના પર કોઈ નિમણૂક થશે નહીં. જો પોસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો તેના માટે ખર્ચ વિભાગની મંજૂરી લેવી પડશે.”

Economy-Measures-1

અમારી વધુ તપાસમાં અમને આજતક અને નવભારત ટાઈમ્સ દ્વારા 5 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા સરકારી ભરતીઓમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. તેમજ UPSC, SSC અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પહેલાંની જેમ જ ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે.

અમારી વધુ તપાસમાં અમને નાણા મંત્રાલય દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, “ભારત સરકારમાં સરકારી પદો ભરવા પર કોઈ પ્રતિબંધ નથી મુકવામાં આવ્યો. સ્ટાફ સિલેક્શન કમિશન, યુપીએસસી, રેલવે ભરતી બોર્ડ, વગેરે સરકારી એજન્સીઓ દ્વારા સામાન્ય ભરતીઓ કોઈપણ પ્રકારના પ્રતિબંધ વિના રાબેતા મુજબ ચાલુ રહેશે.”

હવે આ વિવાદ આવ્યો ક્યાંથી એ પણ જાણવું જરુરી હતું...

ખરેખર, 4 સપ્ટેમ્બર 2020ના કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં બિન-આવશ્યક ખર્ચ પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતુ. મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમામ મંત્રાલયો અને વિભાગોએ અહીં નિયુક્ત કન્સલટેન્ટની સમીક્ષા કરવી જોઈએ. જરૂરિયાત મુજબ કન્સલટેન્ટની સંખ્યા ઘટાડવી જોઈએ.

આયાતી કાગળ પર કોઈ છાપકામ, બુક પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં. વિદેશમાં બનેલા દૂતાવાસને જ આમાંથી મુક્તિ મળશે. સ્થાપના દિન સહિ‌ત અનેક કાર્યક્રમોના ખર્ચમાં ઘટાડો કરવા સૂચનાઓ પણ અપાઇ હતી. તમે આ પરિપત્ર નીચે વાંચી શકો છો.

Economy-Measures

પરંતુ આ વિવાદનું અસલી મૂળ આ મેમોરેન્ડમમાં લખેલી બીજી વસ્તુ હતી. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગની મંજૂરી લીધા વિના નવી જગ્યાની રચના કરવામાં આવશે નહીં. વળી, જો 1 જુલાઈ, 2020 પછી નવી પોસ્ટ બનાવવામાં આવી છે, જેના માટે ખર્ચ વિભાગને મંજૂરી આપવામાં આવી નથી, અને કોઈ નિમણૂક પણ થઈ નથી, તો તે ખાલી રાખવી જોઈએ. જો આ અંગેની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આ માટે ખર્ચ વિભાગની મંજૂરી લેવી જોઈએ. સરકારે 4 સપ્ટેમ્બર 2020 ના રોજ જારી કરેલા ઓફિસ મેમોરેન્ડમ પર સ્પષ્ટતા આપતા, એટલે કે 5 સપ્ટેમ્બરે, કહ્યું કે આ મેમોરેન્ડમની દર વર્ષે યોજાયેલી સામાન્ય ભરતી પર કોઈ અસર નહીં પડે. આ ફક્ત વિભાગની આંતરિક પ્રક્રિયા વિશે છે.

PIB Fact Check દ્વારા પણ એખ ટ્વિટમાં આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં અમને ન્યૂઝ 24 દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 5 સપ્ટેમ્બર, 2020 ના રોજ અપલોડ કરવામાં આવેલ સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. ઓરિજિનલ વીડિયોનો કેટલોક ભાગ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. 1 મિનિટ 46 સેકન્ડથી 2 મિનિટ 26 સેકન્ડ વચ્ચેના ભાગને ઓરિજિનલ વીડિયોમાંથી કટ કર્યા બાદ શેર કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માહિતી ખોટી હોવાનું સરકાર દ્વારા જ જણાવવામાં આવ્યું છે. વધુમાં સરકાર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે, સરકારે નવી ભરતીઓ પર પ્રતિબંધ નથી લગાવ્યો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો સરકારના નાણાં મંત્રાલય દ્વારા હવે કોઈ સરકારી નોકરી બહાર પાડવામાં નહીં આવવા અંગેના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Misleading