કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી.

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી પસાર થશે. તેને નાસા, બીબીસી અને સીએનએન જેવી સંસ્થાઓને પણ ટાંકીને અન્ય લોકોને સંદેશ શેર કરવા વિનંતી કરી. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીબીસી અને સીએનએન દ્વારા ચેતવણી આપવામાં આવી કોસ્મિક કિરણોને લઈ રાત્રીના તમામ લોકોએ મોબાઈલ બંધ રાખવા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Alpesh Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમા લખ્ય હતુ કે, “પ્રિય મંડળ, આજે પાત્રે 12:30 PM થી 3:30 AM સુધી, તમારા સેલ્યુલર ફોન, ટેબ્લેટ વગેરે. બંધ કરવાની ખાતરી કરો અને તેને તમારા શરીરથી દૂર રાખો. સીએનએન ટેલિવિઝને આ માહિતી આપી છે. કૃપા કરીને તમારા પરિવાર અને મિત્રોને જણાવો. આજે રાત્રે 12:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી, કારણ કે આપણો ગ્રહ ઘણા બધા કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરશે. કોસ્મિક કિરણો પૃથ્વીની નજીકથી પસાર થશે. તો મહેરબાની કરીને તમારા મોબાઈલ સ્વીચ ઓફ કરો. તમારા ઉપકરણને તમારા શરીરની નજીક ન છોડો, તે તમને ગંભીર નુકશાન પહોંચાડી શકે છે. Google, NASA અને BBC સમાચાર તપાસો. તમારા માટે મહત્વના હોય તેવા તમામ લોકોને આ સંદેશ મોકલો. તમે લાખો જીવન બચાવશો.” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીબીસી અને સીએનએન દ્વારા ચેતવણી આપવામાં આવી કોસ્મિક કિરણોને લઈ રાત્રીના તમામ લોકોએ મોબાઈલ બંધ રાખવા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમને કીવર્ડ સર્ચથી જાણવા મળ્યું કે, કોસ્મિક કિરણો વિશેનો આ નકલી સંદેશ 2008થી ફરતો હતો. 2010માં ઘાનામાં બીબીસીના નામે આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે બપોરે 12.30 થી 3.30 વાગ્યાની વચ્ચે કોસ્મિક કિરણો પૃથ્વી પર પડશે. તેથી નાગરિકોએ આ સમયગાળા દરમિયાન તેમના ફોન બંધ રાખવા જોઈએ અન્યથા ભૂકંપનો ભય હોઈ શકે છે.

આ મેસેજ વાયરલ થયા બાદ બીબીસીએ ખુલાસો કર્યો કે તેણે આવી કોઈ ચેતવણી કે સંદેશ જારી કર્યો નથી. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ માત્ર એક અફવા છે અને મેસેજમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.

BBC | Archive

આ ઉપરાંત, નાસા દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈપણ સમાચારમાં વાયરલ સંદેશ સંબંધિત કોઈ માહિતી મળી નથી. નાસાએ તેમની વેબસાઈટ પર કોસ્મિક કિરણોની માહિતી આપી છે.

કોસ્મિક કિરણોએ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા ઉચ્ચ-ઊર્જાવાળા અણુઓ છે જે પ્રકાશની ઝડપે આકાશગંગા માંથી પસાર થાય છે અને આપણા સૌરમંડળ સુધી પહોંચે છે.

કોસ્મિક કિરણો શું છે?

નાસાની વેબસાઈટ અનુસાર, જ્યારે કોસ્મિક કિરણો મૂળરૂપે શોધાયા હતા, ત્યારે વૈજ્ઞાનિકોએ તેમને સૂર્યપ્રકાશ જેવા અવકાશમાં ફેલાતા કિરણો માની લીધા હતા અને ગેરસમજ થઈ હતી. કોસ્મિક કિરણો વાસ્તવમાં સુપરનોવા વિસ્ફોટ જેવી દૂરના અને પ્રાચીન તારાઓની ઘટનાઓ દ્વારા ઉત્સર્જિત નાના અણુ કણો છે.

આ ઉપરાંત, નાસાએ એક વેબસાઇટ વિકસાવી છે જે યુએસએના મિનેસોટામાં જોવા મળતા કોસ્મિક કિરણો પર દર 15 સેકન્ડે ફોટા અપડેટ કરે છે.

નાસા અને નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) જેવી સંસ્થાઓ તરફથી કોસ્મિક કિરણો વિશે સતત ચેતવણીઓ આપવામાં આવે છે.

કોસ્મિક કિરણો પૃથ્વી પરના જીવન માટે કોઈ સીધો ખતરો નથી. આ વેબસાઈટ પરની માહિતી જણાવે છે કે મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક વસ્તુઓને નજીકમાં રાખવાથી જોખમ વધતું નથી.

NASA

શું આપણે અવકાશના કિરણોત્સર્ગથી સંપૂર્ણપણે સુરક્ષિત છીએ?

નાસાએ સ્પષ્ટતા કરી છે કે, રેડિયેશન સલામત હોવા છતાં તેને સંપૂર્ણપણે સલામત ગણી શકાય નહીં. ગ્રહની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું વાતાવરણ ગ્રહ પરના જીવનને સૌર અને કોસ્મિક રેડિયેશનની સંપૂર્ણ અસરથી સુરક્ષિત કરે છે. અવકાશમાં અવકાશયાત્રીઓ પર કોસ્મિક કિરણોની અસરોનો અભ્યાસ ચાલુ છે, જેમ કે આના જેવા અસંખ્ય પ્રકાશનો દ્વારા પુરાવા મળે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વૈશ્વિક કિરણોના નામે ફરી ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False