લોકડાઉન મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ખોટું નિવેદન વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકડાઉન મુદ્દે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mehsana City નામના ફેસબુક પેજ દ્વારા 17 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ગુજરાતના આરોગ્યમંત્રી કિશોર કુમાર કાનાણી દ્વારા 17 નવેમ્બર, 2020 ના રોજ તેમના સત્તાવાર ફેસબુક પર પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ સોશિયલ મીડિયામાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજો વાયરલ કરવામાં આવ્યા છે, જે તદ્દન ખોટા અને વાહિયાત છે એવું જણાવી રહ્યા છે. વધુમાં તેઓ આવા નકારાત્મક મેસેજોથી લોકોને દૂર રહેવા માટેની નમ્ર અપીલ પણ કરી રહ્યા છે.
વધુમાં અમને ઝી 24 કલાક દ્વારા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીનું ખંડન કરતા સમાચાર પ્રાપ્ત થયા હતા.
વધુમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ માહિતી ખોટી હોવાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. divyabhaskar.co.in | tv9gujarati.com
ત્યાર બાદ ગુજરાત સરકારના સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું એક પોસ્ટર બહાર પાડવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી લોકડાઉન અંગેની માહિતીનું આરોગ્યમંત્રી કિશોર કાનાણી દ્વારા જ ખંડન કરવામાં આવ્યું છે.
Title:લોકડાઉન મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીનું ખોટું નિવેદન વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False