શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Shailesh Lunagariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમુલ દુધ પીતા પેલા સાત વાર વિચારજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 674 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 12 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 5700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમુલ દૂધમાં પ્લાસ્ટિક નાખવામાં આવે છે અને તેને ગરમ કરવાથી તેમાંથી પ્લાસ્ટિક નીકળે છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર અમુલ ડેરીનો વાઇરલ વિડીયો લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને TV9 ગુજરાતીનો 30 ડિસેમ્બરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ” 

TV9 GUJARATI | ARCHIVE

ત્યારબાદ અમને અમુલના એમડી આર.એસ.સોઢી દ્વારા આ વિડિયો અંગે કરવામાં આવેલી પ્રેસકોન્ફરન્સ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતા આશુતોષ શુક્લા દ્વારા આ વિડિયો બનાવવામાં આવ્યો છે. તેમણે 14 ડિસેમ્બરના આ વિડિયો સોશિયલ મિડિયામાં અપલોડ કર્યો હતો. અમુલ દ્વારા આશુતોષનો સંપર્ક સાધી અને આ સેમ્પલ માંગતા તેણે સેમ્પલ આપવાની ના પાડી હતી અને અમુલ પાસે 10 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. જેથી  તેની સામે પ્રયાગરાજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.” જે પ્રેસ કોન્ફરન્સ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે પણ અમુલના એમડી આરએસ સોઢી સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “લોકોને ગેરમાર્ગે દોરવા આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. જે અંગે અમે ફરિયાદ નોંધાવી છે. તેમજ આ વિડિયોમાં પ્લાસ્ટિક ન હતુ. અમુલ ક્યારેય પણ તેના ગ્રાહકો સાથે આ પ્રકારે છેતરપિંડી ન કરે, અમુલ તેની પ્રોડક્ટ માર્કેટમાં મુકતા પહેલા 4 વખત ટેસ્ટિંગ કરાવે છે.”

તેમજ બાદમાં અમે પ્રયાગરાજ શહેરના કર્નલગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર અરૂણ કુમાર ત્યાગીનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “અમુલ કંપનીના નિશાંત કુમાર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2019ના એફઆઈઆર નંબર 1155 હેઠળ મમ્ફોર્ડગંજ વિસ્તારમાં રહેતા આશુતોષ શુક્લા સામે આઈપીસી કલમ 386,499 તેમજ સુચના પ્રોધ્યોગિકી અધિનિયમની કલમ 66 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની તપાસ હાલ ચાલી રહી છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. લોકોને ગેરમાર્ગે દોરવા આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. તેમજ આ વિડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ખોટો છે. જેની પૃષ્ટી અમુલના એમડી આર એસ સોઢી દ્વારા કરવામાં આવી છે. તેમજ  લોકોને ગેરમાર્ગે દોરવા આ વિડિયો બનાવવામાં આવ્યો હતો. આ વિડિયો બનાવનાર સામે પણ અમુલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

Avatar

Title:શું ખરેખર અમુલના દૂધમાં પ્લાસ્ટીક નાખવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False