શું ખરેખર ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી યુક્રેનિયન આર્મીમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે આ બધાની વચ્ચે એક સુંદર યુવતીના બંદૂક સાથેના કેટલાક ફોટા સાથેનો આર્ટિકલ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયા સામેના યુદ્ધમાં ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી અનાસ્તાસિયા લેના યુક્રેનની આર્મીમાં જોડાઈ તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટા મૂકવામાં આવ્યા છે એ અંગે ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી અનાસ્તાસિયા લેનાએ સ્પષ્ટતા કરી છે કે તે પોતે યુક્રેન આર્મીમાં નથી જોડાઈ. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujarat Khabar નામના ફેસબુક પેજ દ્વારા 2 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સેનામાં શામેલ થઈ યુક્રેનની સૌથી સુંદર યુવતી? મિસ યુક્રેન રહી ચૂકી છે. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયા સામેના યુદ્ધમાં ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી અનાસ્તાસિયા લેના યુક્રેનની આર્મીમાં જોડાઈ તેના આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો anastasiia.lenna દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 23 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટા સાથે શીર્ષકમાં #standwithukraine #handsoffukraine લખવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં અમને લેના દ્વારા 28 ફેબ્રુઆરીએ પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો હતો જેમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે એક સામાન્ય નાગરિક છે અને સૈન્યનો ભાગ નથી. વધુમાં, તેણીએ લખ્યું હતું કે, તે એરસોફ્ટ રમવાની શોખીન છે અને બંદૂકો અને આર્ટિલરી સાથે તેની પ્રોફાઈલ પરની તમામ છબીઓ તેણીને એરસોફ્ટ રમતા બતાવે છે. આગળ પોસ્ટમાં તેણીએ ઉલ્લેખ કર્યો છે કે, કેવી રીતે અચાનક રશિયનોએ યુક્રેન પર હુમલો કર્યો અને તેણીએ તેના દેશને રશિયનોથી મુક્ત કરવા પ્રાર્થના કરી.

તેણીની ઈન્ટાગ્રામ પ્રોફાઈલમાં સ્ક્રોલ કરતાં અમને તેણીની લશ્કર જેવા કપડાં પહેરીને અને બંદૂકો સાથે એરસોફ્ટ રમતા કેટલાક ફોટા પ્રાપ્ત થયા હતા જે તમે અહીં અને અહીં જોઈ શકો છો.

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, એરસોફ્ટ એ શું છે?

એરસોફ્ટ એ એક ટીમ ગેમ છે જેમાં પ્રતિભાગીઓ વિરોધી ખેલાડીઓને એરસોફ્ટ ગન તરીકે ઓળખાતા નકલી એર હથિયારો વડે ગોળાકાર પ્લાસ્ટિક અસ્ત્રો વડે ટેગ કરીને તેમને ખતમ કરે છે. તે ખ્યાલમાં પેંટબૉલ જેવું જ છે.

અનાસ્તાસિયા લેના કોણ છે?

અનાસ્તાસિયા લેના ભૂતપૂર્વ મિસ યુક્રેન છે અને જેણે 2015 માં મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં તેના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અમારી અંગ્રેજી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા પણ આ દાવાની સત્યતા ચકાસવામાં આવી છે જે તમે અહીં જોઈ શકો છો. english.factcrescendo.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટા મૂકવામાં આવ્યા છે એ અંગે ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી અનાસ્તાસિયા લેનાએ સ્પષ્ટતા કરી છે કે તે પોતે યુક્રેન આર્મીમાં નથી જોડાઈ. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ભૂતપૂર્વ મિસ યુક્રેન બનેલી યુવતી યુક્રેનિયન આર્મીમાં જોડાઈ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context