શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Prakash Oza નામના ફેસબુક યુઝર દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જાગૃત જનતા ને નમ્ર વિનંતી કાયદા નુ પાલન કરવું ને કરાવવુ હેલ્મેટ સીટી એરીયામાં પહેરવું ફરજીયાત નથી એટલે ટ્રાફિક ના અધિકારી ઓ જો હેલ્મેટ દંડ ભરાવે તો તે અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાઈકોર્ટ દ્વારા એવો ચૂકાદો આપવામાં આવ્યો છે કે, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. આ પોસ્ટને 71 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.09-21_03_18.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તેથી સૌ-પ્રથમ અમે ગુગલનો સહારો લઈ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.09.09-21_20_08.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી. આ માહિતીની સત્યતા જાણવા માટે અમે અમદાવાદ ‘બ’ વિભાગના ટ્રાફિક એસીપી એ.એમ.પટેલ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી એ પ્રકારે કોઈ પણ ચૂકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો હોય એવું મારા ધ્યાનમાં નથી. વધુમાં આ માહિતી સોશિયલ મીડિયા પર લગભગ 2016 થી વાયરલ થઈ રહી છે. જે તદ્દન ખોટી છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવા અંગેનો કોઈ પરિપત્ર પણ અમને આજ રોજ સુધી પ્રાપ્ત થયો નથી.”

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે હાઈકોર્ટના એક વકીલ સાથે પણ આ અંગે વાત કરતાં તેઓએ અમને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી એ પ્રકારનો કોઈ પણ ચૂકાદો હજુ સુધી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી.”

ઉપરના પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી એ પ્રકારનો કોઈ પણ ચુકાદો હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, શહેરી વિસ્તરમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી એ પ્રકારનો કોઈ જ ચુકાદો આજ રોજ સુધી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી એવું અમને અમદાવાદના ટ્રાફિક એસીપી તેમજ હાઈકોર્ટના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •