શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય....
આપણી અેકતા આપણી તાકાત. નામના ફેસબુક પેજ દ્વારા 2 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હતી. EVM ની ચીપ બનાવવાવાળી કંપનીના ચેરમેન હતા મુખ્ય ચૂંટણી અધિકારી, મોદીના સચિવ રહી ચૂક્યા છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદીના કહેવાથી EVM માં ગડબડ કરવામાં આવી હોવાનું મુખ્ય ચૂંટણી અધિકારી અચલ કુમાર જ્યોતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પોસ્ટને 82 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 105 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર આ પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર EVM માં ગડબડ કરવામાં આવી હોય અને તે પણ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ PM मोदी के कहने पर EVM में गडबड की गई સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી.
અમારી વધુ તપાસમાં અમે ભારત સરકારની ઓફિશિયલ વેબસાઈટ eci.gov.in ની મુલાકાત લઈ EVM ને લગતા તમામ પ્રશ્નો અંગે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.નસીમ ઝાઈદી દ્વારા આપવામાં આવેલા તમામ જવાબોના વીડિયો ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, EVM માં કોઈ પણ પ્રકારે ગડબડ કરવી શક્ય નથી. તેમજ EVM ની ચીપ માટેનું રો મટેરિયલ જ બહારથી મંગાવવામાં આવે છે, જ્યારે તેમાં પ્રોગ્રામ અને સોફ્ટવેર ભારતમાં જ નાંખવામાં આવે છે તે પણ હાઈ સિક્યોરિટીની નજર હેઠળ. આ ઉપરાંત એક વધુ વીડિયોમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, EVM એ કોઈ ઈન્ટનેટ કે વાયરના જોડાણ દ્વારા ચાલતું ન હોવાથી તની સાથે છેડછાડ કરવી કે તેને હેક કરવું શક્ય જ નથી. આ તમામ પ્રશ્નોના જવાબ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને financialexpress.com દ્વારા 18 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.અચલ કુમાર જ્યોતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોઈ પણ EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી. જેની હું ખાતરી આપું છું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી આગળની તપાસમાં અમને ANI દ્વારા ડિસેમ્બર, 2017 ના રોજ યુટ્યુબ પર પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જ્યોતિ દ્વારા કોઈ પણ EVM સાથે છેડછાડ કરવામાં આવી નથી તેની ખાતરી આપતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ તમામ સંશોધનના અંતે અમે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.અચલ કુમાર જ્યોતિનો સંપર્ક કરી આ બાબતે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મેં ક્યારેય એવું નથી કહ્યું કે, EVM માં ગડબડ પ્રધાનમંત્રીના કહેવાથી કરવામાં આવી છે. તેમજ EVM ની ચીપ બનાવતી કંપનીના ચેરમેન હોવાની માહિતી પણ તદ્દન ખોટી છે. આ માહિતી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે. EVM સંપૂર્ણ રીતે વિશ્વસનીય છે. તેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ શક્ય નથી.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.અચલ કુમાર જ્યોતિ દ્વારા ક્યારેય એવી માહિતી આપવામાં આવી નથી કે, પ્રધાનમંત્રીના કહેવાથી EVM માં ગડબડ કરવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ.અચલ કુમાર જ્યોતિ દ્વારા ક્યારેય એવી માહિતી આપવામાં આવી નથી કે, પ્રધાનમંત્રીના કહેવાથી EVM માં ગડબડ કરવામાં આવી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ
Title:શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા પર ઈવીએમમાં ગડબડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False