શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International

‎‎‎‎Mamta Patel નામના ફેસબુક યુઝર દ્વારા 7 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી પીડાતા 20000 લોકોને મારી નાખવા ચીનની સરકારે કરી અરજી – રાજા સમય ન હોવાથી ડાયપર પહેરીને કાર્યરત ચીની ડૉક્ટરો – પ્રજા 🙄. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીન દ્વારા 20,000 જેટલા કોરોના વાયરસથી પિડીત દર્દીઓને મારી નાંખવા માટે અદાલત પાસે અરજી કરવામાં આવી. આ પોસ્ટને 40 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 14 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.02.10-18_50_15.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને abplive.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ માલૂમ પડ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 908 લોકોના મોત થયા છે. આ સમાચારમાં અમને ક્યાંય પણ 20,000 દર્દીઓને મારવા માટે મંજૂરી માંગવામાં આવી એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ચીને હજુ સુધી આપાતકાલીન સ્થિતિ પર આ પ્રકારની કોઈ માહિતી પ્રસારિત કરી નથી. 

અમારી વધુ તપાસમાં અમને આ માહિતી ફક્ત ab-tc.com નામની એક સમાચાર વેબસાઈટ પર જ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

screenshot-ab-tc.com-2020.02.10-19_22_07.png

Archive

સિટી ન્યૂઝ તરીકે ઓળખાતી એબી-ટીસી વેબસાઇટના આ લેખ મુજબ, ચીનની સુપ્રીમ કોર્ટ શુક્રવારે વાયરસના ફેલાવાને રોકવા માટે ચાઇનામાં કોરોનાવાયરસના પિડીતોને ખતમ કરવાની મંજૂરી આપશે. વેબસાઇટમાં કોઈ સત્તાવાર ચિની સ્રોત કે પછી કોઈ દસ્તાવેજો અથવા સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યા નથી. વધુમાં લેખમાં જણાવાયું છે કે “ચીને એક દસ્તાવેજમાં ઉલ્લેખ કર્યો છે કે જો તે આરોગ્ય કર્મચારીઓ અને અન્ય લોકોને બચાવવા માટે થોડા બીમાર લોકોના જીવનો ભોગ ન લે તો તે તમામ નાગરિકોને ગુમાવશે.” પરંતુ આ લેખમાં એ દસ્તાવેજની ક્યાંય પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લેખમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીને થોડા દર્દીઓની હત્યા કરી છે.

અમારી વધુ તપાસમાં અમને એ પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, એબી ટીસી (સિટી ન્યૂઝ) તરીકે ઓળખાતી આ વેબસાઈટ પર અન્ય કોઈ પણ જાણકારી પ્રાપ્ત નથી થતી કે તેના સ્થાપક કોણ છે? આ વેબસાઈટ પરના લેખોમાં પણ કોઈ સંવાદદાતાઓના નામ આપવામાં નથી આવતા. તેમજ આ વેબસાઈટ વિશ્વસનીય હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. આ વબસાઈટને ચીનના ગુઆંગડોંગમાં જૂન 2019 માં પંજીકૃત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

image1.png

આ વેબસાઈટ પરથી એવી જાણકારી પ્રાપ્ત થાય છે કે, વેબસાઈટ પર મોટાભાગે અંગ્રેજી તેમજ અમેરિકાને લગતી માહિતી વધુ જોવા મળે છે. તેના પરથી એવું માની શકાય કે, તે અમેરિકાના પાઠકો માટે જ બનાવવામાં આવી હોઈ શકે. આ સાઈટ પર ક્લિક કરતાં અન્ય વેબસાઈટ ખુલે એવી ઘણી બધી લિંક હોવાથી આ એક નકલી વેબસાઈટ હોવાનું સાબિત થાય છે.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, અમેરિકાની એક ફેક્ટ ચેક કરતી વેબસાઈટ snopes.com દ્વારા પણ એબી ટીસી દ્વારા પ્રસારિત કરવામાં આવેલી આ માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.  

WHO એ ડિસેમ્બર 2019 માં વુહાનમાં કોરોનો વાયરસનો પ્રથમ કેસ નોંધ્યો હતો. ચીન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે વાયરસની ઉત્પત્તિ વુહાનના દરિયાઇ માછલી બજારથી થઈ હતી, પરંતુ વાયરસનો સચોટ સ્રોત હજી સુધી શોધી શકાયો નથી. 30 જાન્યુઆરી, 2020 ના રોજ, વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા આરોગ્યની જાહેર કટોકટી જાહેર કરવામાં આવી હતી. 

આ ઉપરાંત આ સમાચાર પ્રસારિત કરનાર એબી ટીસી (સિટી ન્યૂઝ) પર ઘણા બધા ખોટા અહેવાલ મૂકવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વેબસાઈટ પર એક સેલિબ્રિટી યુગલ કૌની ફર્ગુસન અને શોના ફર્ગુસનના મોતના પણ ખોટા સમાચાર મૂકવામાં આવ્યા હતા. તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એડિટીંગ કરેલા ટ્વિટ્સના આર્ટિકલ પણ મૂકવામાં આવ્યા હતા.

વધુમાં પંજાબ કેશરી દ્વારા પણ આ સમાચાર ખોટા હોવાની માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. punjabkesari.in | Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી ફક્ત એક અવિશ્વસનીય વેબસાઈટ એબી ટીસી (સિટી ન્યૂઝ) સિવાય બીજા કોઈ પણ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી ફક્ત એક અવિશ્વસનીય વેબસાઈટ એબી ટીસી (સિટી ન્યૂઝ) સિવાય બીજા કોઈ પણ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ચીન દ્વારા કોરોના વાયરસથી પિડીત 20,000 દર્દીઓને મારવાની અદાલત પાસે અનુમતિ માગવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False