તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેનથી એર ઈન્ડિયાના વિમાનમાં ભારત પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનથી એર ઈન્ડિયાના વિમાનમાં ભારત પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુભેચ્છા પાઠવી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નહીં પરંતુ રોમાનિયા ખાતેના ભારતીય રાજદૂત રાહુલ શ્રીવાસ્તવ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ketan Matliwala નામના ફેસબુક યુઝર દ્વારા 05 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભારતીયોને શુભેચ્છા આપવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતે AIના વિમાનમાં ગયા હતા. ભારત માટે શું આદર છે. ભારતીય હોવાનો ગર્વ રાખો. . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેનથી એર ઈન્ડિયાના વિમાનમાં ભારત પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુભેચ્છા પાઠવી તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી સાંભળતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે વ્યક્તિ વિમાનમાં યાત્રિકો સાથે વાત કરી રહ્યા છે તે પોતે શરુઆતમાં જ અંગ્રેજી ભાષામાં પોતાનું નામ રાહુલ શ્રીવાસ્તવ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ પોતે રોમાનિયા ખાતેના ભારતીય રાજદૂત છે. તેઓ તમામ લોકોને ભારત પરત ફરવા બદલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વીડિયોમાં દેખાતા વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નથી.

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં નીચે જમણી બાજુ પર ખૂણામાં ET NOW લખેલું છે. જેના પરથી અમે ફેસબુક પર સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ET NOW દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર 26 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

આ વીડિયો સાથે એવી પણ માહિતી આપવામાં આ હતી કે, એર ઈન્ડિયાના વિમાનમાં ભારત પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ ભારતીય નાગરિકોને રોમાનિયા ખાતેના ભારતી રાજદૂત રાહુલ શ્રીવાસ્તવ દ્વારા વિશેષ સંદેશો આપવામાં આવ્યો હતો.

આજ ઘટનાનો વધુ એક વીડિયો અમને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, રાહુલ શ્રીવાસ્તવ વિમાનમાં બેઠેલા નાગરિકો સાથે વાતચીત કરી રહ્યા છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, રોમાનિયાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સ્વદેશ પરત લઈ જઈ રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યા છે એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નહીં પરંતુ રોમાનિયા ખાતેના ભારતીય રાજદૂત રાહુલ શ્રીવાસ્તવ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એર ઈન્ડિયાના વિમાનમાં જઈને ભારતીય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False