
Rakesh Umarethiya નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, M.P. ના મજુરો ઉપાડ લય ને ભાગી જતા ધોરાજી ના ખેડુતો સાત ગાડી લય ને તેના વતન મા ઉધરાણી એ જતા તેમની દશા કેવી થય તે જુવો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશમાં ગયેલા ગુજરાતના ધોરાજીના ખેડૂતો પર થયેલા હુમલાનો તેમજ તેમની ગાડીઓમાં ત્યાંના લોકો દ્વારા કરવામાં આવેલી તોડફોડનો છે. આ પોસ્ટને 47 લોકોએ લાઈક કરી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 349 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયો મધ્યપ્રદેશમાં ગયેલા ગુજરાતના ધોરાજીના ખેડૂતો પર થયેલા હુમલાનો તેમજ તેમની ગાડીઓમાં ત્યાંના લોકો દ્વારા કરવામાં આવેલી તોડફોડનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Patrika Madhya Pradesh દ્વારા 6 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ગાડીઓમાં તોડફોડના આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ધાર જિલ્લાના બોરલાઇ ગામના મજૂરો ઈન્દોર ઉજ્જૈન વિસ્તારમાં મજૂરી માટે ગયા હતા જ્યાં તેઓએ કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ પૈસા લીધા હતા પણ કામ પર ગયા નહોતા. તેથી પૈસા આપનાર લોકો પૈસાની વસૂલાત માટે તેમના ગામમાં ગયા હાત. જ્યારે આ લોકો પૈસા વસૂલવા પહોંચ્યા ત્યારે તેઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હકીકતમાં, ઈંદોર જિલ્લાના શ્યોપુર ખેડાના વિનોદ મુકાતી તેમના ઉજ્જૈનના કેટલાક સાથીદારો સાથે થોડા સમય પહેલા ખિડકીયા, બોરલાઇ અને નજીકના ગામોમાંથી મજૂરો લેવા આવ્યા હતા અને આ દરમિયાન કેટલાકને 50-50 હજાર રૂપિયા અગાઉથી આપવામાં આવ્યા હતા, પરંતુ મજૂરો કામ કર્યા વિના તેના ગામ પરત જતા રહ્યા હતા. વિનોદ મુકાતી અને અન્ય લોકો પૈસા માટે દબાણ કરવા લાગ્યા હતા ત્યારે પૈસા આપવા તેઓએ તેમના ગામમાં બોલાવ્યા હતા. જ્યારે તેઓ ગામ પાસે પહોંચ્યા ત્યારે તે લોકોએ તેમના પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. જ્યારે આ લોકો ભાગવા લાગ્યા ત્યારે એવી અફવા ઉભી કરી કે આ લોકો બાળક ચોર છે. ત્યાર બાદ ભીડ એકઠી થઈ હતી અને આ લોકોએ માર મારવા ઉપરાંત તેમની ગાડીઓમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા જેમની માનવર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર સમાચાર તમે નીચે જોઈ શકો છો.
આ સમગ્ર ઘટનામાં ક્યાંય પણ ગુજરાતના ખેડૂતોની માહિતી આપવામાં આવી નથી. કેટલાક એણસમજુ લોકો દ્વારા આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News18 Urdu | Aaj Tak
અમારી વધુ તપાસમાં અમને કેટલાક મીડિયા માધ્યમો દ્વારા તેમની વેબસાઈટ પર પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. hindi.news18.com | tv9bharatvarsh.com | khabar.ndtv.com
અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી સાથે એસપી આદિત્ય પ્રતાપસિંઘની બાઈટ સાથે ANI દ્વારા 5 ફેબ્રુઆરી,2020 ના રોજ કરવામાં આવેલી ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આજ સમાચારને લગતી વધુ એક ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશનો જ છે જેને ગુજરાતના ખેડૂતો સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશનો જ છે જેને ગુજરાતના ખેડૂતો સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ગુજરાતના ખેડૂતોને મધ્યપ્રદેશમાં માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
