IFS સ્નેહા દુબેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ... જાણો શુ છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર IFS સ્નેહા દુબેના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશ કે પત્રકારો કો વિદેશમે ભારત કા માન રખના શીખના હોગા. હર જગહ અપના માઈક લેકર નહીં જાયા જા સકતા હૈ... આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, IFS સ્નેહા દુબે દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં IFS સ્નેહા દુબે દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bharatsingh Baghel નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં ફોટોમાં મૂકવામાં આવેલી ટ્વિટમાં એવું લખવામાં આવ્યું છે કે, देश के पत्रकारों को विदेश मे भारत का मान रखना सीखना होगा. हर जगह अपना माइक लेकर नहीं जाया जा सकता.... જેનો ગુજરાતી મતલબ એવો થાય કે, “દેશના પત્રકારોએ વિદેશમાં ભારતનું માન રાખતા શીખવું પડશે. બધી જગ્યાએ પોતાનું માઈક લઈને ના જવું જોઈએ”. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ટ્વિટ IFS સ્નેહા દુબે દ્વારા કરવામાં આવ્યું છે.
FACT CHECK
તાજેતરમાં IFS સ્નેહા દુબેએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGC) માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કરારા જવાબ આપ્યો. તેના દ્વારા આપવામાં આવેલા ભાષણની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે અને સ્નેહા દુબેની સમગ્ર દેશમાં પ્રશંસા કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આજ તક સમાચાર ચેનલની એંકર અંજના ઓમ કશ્યપ અને IFS સ્નેહા દુબેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એંકર અંજના ઓમ કશ્યપ IFS સ્નેહા દુબેને કોઈ સવાલ પૂછી રહી છે ત્યારે સ્નેહા દુબે તેને હાથ વડે ઈશારો કરીને બહાર જવાનું કહી રહી છે.આ સંબંધમાં સોશિયલ મીડિયા પર IFS સ્નેહા દુબેના નામથી એક ટ્વિટ પણ વાયરલ થઈ રહી છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર IFS સ્નેહા દુબે દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ IFS સ્નેહા દુબે દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં IFS સ્નેહા દુબેના જે ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વિટ કરવામાં આવી છે તે @SnehaDubey_ ને ટ્વિટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે.
ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને IFS સ્નેહા દુબેનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં અમે તમામ ટ્વિટ ચેક કરતાં અમને ક્યાંય પણ IFS સ્નેહા દુબે દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવું જાણવા મળ્યું નહતું.
નીચે તમે IFS સ્નેહા દુબેનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @snehadube જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં IFS સ્નેહા દુબે દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.
Title:IFS સ્નેહા દુબેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ... જાણો શુ છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False