તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હોટલ જેવા સ્થળ પર પોલીસને માર મારી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નહીં પરંતુ મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Er Pravin Rathva નામના ફેસબુક યુઝર દ્વારા 30 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નારંગી ઓ નો #ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નો વર્તાવ જોવો તો આમ જનતા નું સુ ગજું આવે. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જે વ્યક્તિ પોલીસને મારી રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને N.D.T.V દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાએ નશાની હાલતમાં પોતાની રેસ્ટોરન્ટમાં પોલીસકર્મીની પીટાઈ કરતાં ગિરફ્તાર કરવામાં આવ્યો. વધુમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે, ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે ભાજપના કાઉન્સિલર દ્વારા વર્દીમાં રહેલા એક પોલીસકર્મીને ગાળો આપીને માર મારવામાં આવ્યો. તે એક મહિલા મિત્ર સાથે એ રેસ્ટોરન્ટમાં ગયો હતો. જેમાં જમવાનું પીરસવામાં થોડી વાર થતાં ત્યાં બબાલ થઈ હતી તેનો આ વીડિયો છે.

અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને india.com દ્વારા 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ ચૌધરી દ્વારા તેમની હોટલમાં એક મહિલા વકીલ સાથે આવેલા એક પોલીસકર્મીની પીટાઈ કરતાં જોઈ શકાય છે. સમાચાર એજન્સી એએઆઈના રિપોર્ટ મુજબ, સબ ઈન્સપેક્ટરની એક વેઈટર સાથે થોડી માથાકૂટ થઈ હતી. ત્યાર બાદ મનીષકુમાર દ્વારા એ સબ ઈન્સપેક્ટરને ગાળો આપી માર મારતાં તમે જોઈ શકો છો. આ ઘટના બાદ મનીષકુમારને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો. આ ઘટના મેરઠ-દહેરાદૂન બાયપાસ હાઈવે પર મનીષકુમારની હોટલમાં બની હતી.

image3.png

Archive

અમારી વધુ તપાસમાં અમને ANI UP દ્વારા 20 ઓક્ટોમ્બર, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપના કાઉન્સિલરે તેમની હોટલમાં મહિલા વકીલ સાથે આવેલા પોલીસ સબ ઈન્સપેક્ટરની પીટાઈ કરતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટરની વેઈટર સાથે માથાકૂટ થતાં આ ઘટના બની હતી.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મેરઠના કંકરખેડા પોલીસ સ્ટેશનના SHO તપેશ્વર સાગરનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વારલ વીડિયોમાં બનેલી ઘટના લગભગ 3 વર્ષ જૂની છે. આ ઘટના જે વ્યક્તિ પોલીસકર્મીને માર મારી રહ્યો છે એની જ રેસ્ટોરન્ટમાં બની હતી. તેના પર કેસ પણ થયો હતો અને જેલની સજા પણ થઈ હતી. માર મારનાર વ્યક્તિનું નામ મનીષ ચૌધરી હતું જે ભાજપનો કાઉન્સિલર હતો. પરંતુ કેટલાક ઘરેલુ કારણોસર તેણે છ માસ પહેલાં જ આત્મહત્યા કરી હતી. જ્યારે મનીષ ચૌધરીનું અવસાન થયું ત્યારે તે ભાજપના સીટિંગ કાઉન્સિલર હતા.”

ત્યાર બાદ ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં રાખીને અમે વધુ માહિતી મેળવવા માટે ગુગલ પર વધુ કીવર્ડ્સ સાથે સર્ચ કરતાં અમને 16 એપ્રિલ, 2021 ના રોજ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો જેમાં લખ્યું હતું કે, મેરઠમાં સ્થિત ભાજપ કાઉન્સિલર મનીષ ચૌધરી કે જે પોલીસ કર્મચારીને માર મારવા બદલ જેલની સજા થઈ હતી તે વાહનમાં ગોળીના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મનીષ ચૌધરીએ આત્મહત્યા કરી છે.

image1.png

Archive

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય કોણ છે?

આ માટે અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને કોઈ પણ વેબસાઈટ કે કોઈ સમાચારમાં અનિલ ઉપાધ્યાય નામના કોઈ વ્યક્તિની માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમે MyNeta.info પર પણ અમે ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયને શોધવાની કોશિશ કરતાં અમને ત્યાં પણ આ નામ વિશે કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

આજ નામ સાથે અમને બે વ્યક્તિઓની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એક જોધપુરના બીએસપીના નેતા ડૉ. અનિલ ઉપાધ્યાય છે. જેઓએ 2018 માં રાજસ્થાનથી ચૂંટણી લડી હતી. જ્યારે બીજી વ્યક્તિ લખનૌના એક નિર્દલીય ઉમેદવાર અનિલકુમાર ઉપાધ્યાય છે જેઓએ 2007 અને 2012 માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી.

ત્યાર બાદ અમે ભાજપના મેરઠના જિલ્લા અધ્યક્ષ વિમલ શર્માનો સંપર્ક કરી ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભાજપના 71 ધારાસભ્યો છે જેમાં કોઈનું નામ અનિલ ઉપાધ્યાય નથી. તેમજ વાયરલ થઈ રહેલા વીડિયોમાં બનેલી ઘટના પણ લગભગ 3 વર્ષ જૂની છે.”

વધુમાં અમે મેરઠ મહાનગરના ભાજપના અધ્યક્ષ મુકેશ સિંઘલ સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાયરલ થઈ રહેલા વીડિયોમાં બનેલી ઘટના 3 વર્ષ પહેલાંની છે. જ્યારે વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિનું નામ મનીષ ચૌધરી છે જેમનું અવસાન થઈ ગયું છે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય નહીં પરંતુ મનીષ ચૌધરી છે જેનું મૃત્યુ પણ થઈ ગયું છે. આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે.

Avatar

Title:શું ખરેખર પોલીસને મારી રહેલો વ્યક્તિ ભાજપનો ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે...?

Fact Check By: Vikas Vyas

Result: False