શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ પર કરવામાં આવેલા નિવેદન અંગેની પોસ્ટનો સમાચાર ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિતશાહે પાટીદારો વિશે એવું કહ્યું કે, પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી.” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Adv Hetal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 12 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિતશાહે પાટીદારો વિશે એવું કહ્યું કે, પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી.”

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ આ પ્રકારનું કોઈ નિવેદન કરવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ આ પ્રકારનું કોઈ નિવેદન કરવામાં આવ્યું છે કે કેમ?  એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી – અમિત શાહ સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારી હતી અને એબીપી અસ્મિતાના બ્રેકિંગ ન્યૂઝના ફોન્ટ અને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના ફોન્ટની સરખામણી કરતાં અમને આ બંને વચ્ચેનો તફાવત માલૂમ પડ્યો હતો. આ બંને ફોન્ટ એકબીજાથી તદ્દન જુદા પડતા હોવાથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, કોઈ ઠગબાજ દ્વારા એબીપી અસ્મિતાના લોગોનો દૂરપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી છે. આ બંને ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

વાયરલ થઈ રહેલા ફોટોમાં તમે એ પણ જોઈ શકો છો કે, એબીપી અસ્મિતાનો તાજેતરનો લોગો અને જૂનો લોગો બંને અલગ-અલગ છે.

નીચે તમે એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના જૂના અને નવા લોગો વચ્ચેનો તફાવત પણ જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ પોસ્ટ અંગે એબીપી અસ્મિતાના ચેનલ હેડ રોનક પટેલ સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “લગભગ 2 વર્ષ પહેલાં આજ રીતે અમારી ચેનલના લોગોનો દૂરપયોગ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. જેની અમને જાણ થતાં અમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી. અને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હાલમાં અમારી ચેનલના લોગો સાથે જે માહિતી વાયરલ થઈ રહી છે એ તદ્દન ખોટી છે. અમારા દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી રજૂ કરવામાં નથી આવી.”

આ સમગ્ર સંશોધનને અંતે અમે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારી સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “એબીપી અસ્મિતા દ્વારા વર્ષ 2017 માં 12 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એબીપી ચેનલના લોગો સાથે ખોટી માહિતી વાયરલ થવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેનો FIR નંબર 3207 છે. પોલીસે આ અંગે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના લોગોનો દૂરપયોગ કરીને કોઈ ઠગબાજો દ્વારા આ પ્રકારે ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર અમિત શાહ દ્વારા પાટીદાર સમાજ માટે આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

Fact Check By:  Vikas Vyas 

Result: Altered