જાણો મધ્યપ્રદેશની ચૂંટણીનો ઓપિનિયન પોલ દર્શાવતા એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશની આગામી ચૂંટણીનું પરિણામ દર્શાવતો એબીપી ન્યૂઝના ઓપિનિયન પોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સૌથી પહેલા ઓપિનિયન પોલમાં મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 150 સીટો તેમજ ભાજપને 66-75 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એબીપી ન્યૂઝનો મધ્યપ્રદેશની ચૂંટણીના ઓપિનિયન પોલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથેનો એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 10 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશ નો પહેલો ઓપીનીયન પોલ આવી ગયો... આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સૌથી પહેલા ઓપિનિયન પોલમાં મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 150 સીટો તેમજ ભાજપને 66-75 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો એબીપી ન્યૂઝનો છે જેનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો એબીપી ન્યૂઝ દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 27 જૂન, 2023 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ સંપૂર્ણ વીડિયોને જોયા પછી અમને જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો અને એબીપી ન્યૂઝના વીડિયો અને ડેટામાં ઘણો તફાવત છે. આ બંને વીડિયોમાં અલગ-અલગ પ્રદેશો અનુસાર સીટોના આંકડા આપવામાં આવ્યા છે. પરંતુ બંને વીડિયોમાં ડેટા અલગ છે અને તેમની વચ્ચે ઘણો તફાવત છે. તમે નીચે આપેલા તુલનાત્મક ચિત્રોમાં તે આંકડાઓમાં રહેલો તફાવત જોઈ શકો છો.
વાયરલ વીડિયોમાં પહેલા ચંબલ વિસ્તારના આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ભાજપને 4-6 બેઠકો મળશે, કોંગ્રેસને 28-30 બેઠકો મળશે અને અન્યને 0-2 બેઠકો મળશે. પરંતુ મૂળ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપને 7-11 બેઠકો, કોંગ્રેસને 22-26 બેઠકો, બસપાને 0-2 બેઠકો અને અન્યને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેવી જ રીતે, મહાકૌશન ક્ષેત્રમાં વાયરલ વીડિયોમાં એવું દર્શાવ્યું છે કે, ભાજપને 13-16 બેઠકો અને કોંગ્રેસને 26-29 બેઠકો મળી શકે છે. પરંતુ મૂળ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભાજપને 20-24 અને કોંગ્રેસને 18-22 બેઠકો મળી શકે છે.
આ પછી, વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે,બઘેલખંડ ક્ષેત્રમાં ભાજપને 11-15 બેઠકો મળશે, કોંગ્રેસને 40-42 બેઠકો મળશે. અને મૂળ વીડિયોમાં એવું દેખાય છે કે ભાજપને 21-25 બેઠકો અને કોંગ્રેસને 30-34 બેઠકો મળી શકે છે.
ભોપાલ ક્ષેત્રમાં વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપને 9-12 અને કોંગ્રેસને 13-16 બેઠકો મળશે. બીજી તરફ, મૂળ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપને 18-22 બેઠકો અને કોંગ્રેસને 3-7 બેઠકો મળવાની સંભાવના છે.
ત્યાર બાદ માલવા ક્ષેત્રમાં વાયરલ વીડિયોના આંકડામાં ભાજપની 15-18 અને કોંગ્રેસની 27-30 બેઠકો જોવા મળે છે. જો કે, મૂળ વીડિયોમાં ભાજપનો આંકડો 23-27 સીટોનો છે અને કોંગ્રેસનો આંકડો 18-22 સીટોનો છે.
નિમાડમાં વાયરલ થયેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપને 11 અને કોંગ્રેસને 16 બેઠકો મળી છે. અને મૂળ વીડિયોમાં કહેવાય છે કે, ભાજપને 11-15 બેઠકો મળવાની સંભાવના છે અને કોંગ્રેસને પણ 11-15 બેઠકો મળવાની સંભાવના છે.
આ પછી તમામ પ્રદેશો સહિત જે અંતિમ આંકડાઓ સામે આવ્યા છે તેમાં વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપને 66-75 અને કોંગ્રેસને 150-158 બેઠકો મળશે. અને મૂળ વીડિયોમાં ભાજપને 106-118 બેઠકો અને કોંગ્રેસને 108-120 બેઠકો મળશે તેવું જણાવાયું છે.
આના પરથી આપણે સમજી શકીએ છીએ કે, વાયરલ વીડિયોમાં આપવામાં આવેલા ડેટા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ઓરિજિનલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપ કરતાં કોંગ્રેસ આગળ ચાલી રહી હોવા છતાં સીટોની સંખ્યામાં બહુ ફરક નથી, તે નજીકની હરીફાઈ છે.
અમને એવું પણ જાણવા મળ્યું છે કે, વાયરલ વીડિયોમાં વોઈસ ઓવર એટલે કે રિપોર્ટિંગ પણ અલગ અવાજમાં કરવામાં આવ્યું છે.
અમારી વધુ તપાસમાં અમને એબીપી ન્યૂઝના પત્રકાર બ્રિજેશ રાજપૂતનું એક ટ્વિટ મળ્યું. જેમાં તેમણે વાયરલ પોસ્ટને ફેક ગણાવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એબીપી ન્યૂઝનો મધ્યપ્રદેશની ચૂંટણીના ઓપિનિયન પોલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથેનો એડિટેડ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:જાણો મધ્યપ્રદેશની ચૂંટણીનો ઓપિનિયન પોલ દર્શાવતા એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Altered