દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા હોવાની ખોટી માહિતી સાથેનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા તેનો નહીં પરંતુ જામા મસ્જિદની પાસે બની રહેલા શૌચાલયોના શિલાન્યાસ સમયનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વિપુલ શાહ નામના ફેસબુક યુઝર દ્વારા 15 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આઘાત નાં સમાચાર.. દિલ્હી ની જામા મસ્જિદ નાં શાહી ઇમામ , ભાજપા માં જોડાયા.. હવે ની લડાઈ, એક DNA પર લડાશે... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 11 માર્ચ, 2023 ના રોજ એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોના શાર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, "જામા મસ્જિદમાં બીજેપી સાંસદ દ્વારા શૌચાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો, પરંતુ જામા મસ્જિદ ખરાબ હાલતમાં મીના બજાર નશાનો અડ્ડો." વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ચાંદની ચોક લોકસભા દિલ્હી બીજેપી સાંસદ ડૉ. હર્ષ વર્ધને દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના ગેટ નંબર 1 પર આધુનિક શૌચાલયનો શિલાન્યાસ કર્યો.
ઉપરોક્ત માહિતીને ધ્યાનમાં રાખીને, અમે ડૉ. હર્ષ વર્ધનના ટ્વિટર એકાઉન્ટ પર સર્ચ કર્યું જ્યાં અમને 11 માર્ચ, 2023ના રોજની ઘટનાના ફોટો અને વીડિયો પ્રાપ્ત થયા હતા. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખ્યું છે કે, #SwachhBharat के तहत शौचालयों का निर्माण गरिमा के साथ सभी के लिए जबरदस्त स्वास्थ्य लाभ लेकर आया है खासतौर से महिलाओं के लिए।
इसी क्रम में आज मैंने अपने सांसद निधि से दिल्ली की 'जामा मस्जिद' के गेट नंबर 01 के पास एक शौचालय का शिलान्यास किया। @swachhbharat @BJP4Delhi #JamaMasjid.
તેમણે શાહી ઈમામ બુખારીનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે જે વાયરલ વીડિયો સાથે ઘણો જ મળતો આવે છે. વીડિયોમાં ઈમામ બુખારી કહે છે કે, જામા મસ્જિદમાં દુનિયાભરમાંથી લોકો આવે છે. તે કહે છે કે, મસ્જિદની આસપાસ કેટલીક જરૂરી વસ્તુઓ ખૂટતી હતી અને હર્ષવર્ધને તે બનાવવામાં તેમની મદદ કરી હતી.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો વાસ્તવમાં શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારી દ્વારા જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલા શૌચાલયના શિલાન્યાસ સમારોહનો છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારી ભાજપમાં જોડાયા છે કે કેમ?
ઉપરોક્ત માહિતી માટે ફેક્ટ ક્રેસેન્ડોની હિન્દી ટીમ દ્વારા બીજેપી દિલ્હીના પ્રવક્તા હરીશ ખુરાના સાથે વાત કરી હતી. તેમણે અમને કહ્યું કે, “વાયરલ સમાચાર તદ્દન ખોટા છે. સૈયદ અહેમદ બુખારી ભાજપમાં જોડાયા નથી. આ વીડિયો માર્ચ મહિનાની શરૂઆતમાં જામા મસ્જિદ પાસે બનાવવામાં આવી રહેલા શૌચાલયના શિલાન્યાસ સમારોહનો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા તેનો નહીં પરંતુ જામા મસ્જિદની પાસે બની રહેલા શૌચાલયોના શિલાન્યાસ સમયનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા હોવાની ખોટી માહિતી સાથેનો વીડિયો વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False