
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 10 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ચાઇનાના માલનો વિરોધ કરશે ભક્ત પણ બેંક નો નહિ કરે.. હે ડફોળો મૂર્ખાઓ પેલ્લે થી મૂર્ખ સો કે કોર્સ કર્યો સે ? શેયર કરો. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્ક ઓફ ચાઈનાને ભારતમાં બેન્કિંગ સેવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પોસ્ટને 342 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 25 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 99 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય એક ફેસબુક પેજ દ્વારા પણ 12 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં પણ એં લખવામાં આવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા આજે બેન્ક ઓફ ચાઈનાને લાયસન્સ આપવામાં આવ્યું. જે તમે નીચે જોઈ શકો છો.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્ક ઓફ ચાઈનાને ભારતમાં બેન્કિંગ સેવા માટે મંજૂરી આપવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને bhaskarhindi.com દ્વારા 4 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને ભારતમાં બેન્કિંગ સેવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. sandesh.com | businesstoday.in
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પરથી
1 ઓગસ્ટ, 2019 ના રોજ બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ‘બેન્ક ઓફ ચાઇના લિમિટેડ’ને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 માં સમાવિષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા પણ 4 જુલાઈ, 2018 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરવા માટે ‘બેન્ક ચાઇના’ને લાયસન્સ આપવામાં આવ્યું છે. આ ચીનના નેતૃત્વ પ્રત્યે પીએમ મોદી દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતા હતી: સોર્સ
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને વર્ષ 2018 માં જ બેન્કિંગ ક્ષેત્રે કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2018 થી બેન્ક ઓફ ચાઈના ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે પોતાની સેવા આપી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને વર્ષ 2018 માં જ બેન્કિંગ ક્ષેત્રે કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2018 થી બેન્ક ઓફ ચાઈના ભારતમાં બેન્કિંગ ક્ષેત્રે પોતાની સેવા આપી રહી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર તાજેતરમાં RBI દ્વારા ‘બેન્ક ઓફ ચાઈના’ને ભારતમાં બેન્કિંગ માટે મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Explainer
